તબીબી બેદરકારીના આક્ષેપના કેસમાં ફોરમે નિષ્ણાંતોનો અભિપ્રાય લઈ અંતિમ નિર્ણય કરવો જરૂરી છે. આ અવલોકન સાથે ગુજરાતના ગ્રાહક તકરાર નિવારણ આયોગે મૃતક દર્દીના પરિવારજનોને વળતર આપવાનો ભાવનગર ગ્રાહક તકરાર નિવારણ પંચનો આદેશ તેમજ તબીબની બેદરકારી પુરવાર કરતો આદેશ રદ કર્યો છે.
પરિવારે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અપીલ કરી હતી ભાવનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચૂકાદાથી નારાજ થઈને ભાવનગરના શિહોર તાલુકાના ગૌરવ પથ ખાતે આવેલી સંજીવની હાર્ટ કેર એન્ડ નર્સિંગ હોમના MD ફિઝિશિયન અને કાર્ડિયોસર્જન ડો. દશરથ પી. પ્રજાપતિએ સામાવાળા જીવાભાઈ વાઘાભાઈ બાટા, પરેશભાઈ બાટા સહિત અન્ય સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અપીલ કરી હતી.
આ અપીલમાં જણાવ્યું હતું કે, જીવાભાઈની પત્ની દેવુબેનને 13 જુલાઈ 2014ના રોજ લકવાનો હુમલો થયો હતો. બીજા દિવસે 14 જુલાઈ 2014ના સવારે 7:40 કલાકે ડો. દશરથ પ્રજાપતિની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ દેવુબેનની સ્થિતિ ગંભીર હતી. જોકે, ભાવનગરના ન્યૂરો ફિઝિશિયન ડો. ગુરુમુખાનીને ત્યાં કેસ રીફર કર્યો હતો. તેમણે પણ મહિલા દર્દીને કેટલાંક દિવસ સારવાર કરી હતી. તેમાં બે દિવસ તો આઇસીયુમાં પણ રાખવામાં આવ્યા હતા.
ડોક્ટર પર હુમલો કરી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી આ સારવાર દરમિયાન દર્દી દેવુબેન જીવાભાઈનું 16 જુલાઈ 2014ના રોજ સવારે 10:45 કલાકે મૃત્યુ થયું હતું. થોડા દિવસ પછી દેવુબેનના પતિ તથા અન્ય અમારી હોસ્પિટલે 25 જુલાઈ 2014ના રોજ આવ્યા હતા. જ્યાં હુમલો કરી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને અમારી પાસે લેટરહેડ પર બળજબરીપૂર્વક લખાવી લીધું હતું કે, ઉપરોક્ત બે ઇન્જેક્શન નહીં આપ્યા હોવાના કારણે દેવુબેનનું મૃત્યું થયું હતું. જો હું લખીને નહીં આપું તો માઠા પરિણામનો સામનો કરવો પડશે તેવી દર્દીના સગાએ ધમકી આપી હતી. જેના કારણે પોતે દર્દીને બે ઇન્જેક્શન આપ્યા નહીં હોવાનું લખીને આપ્યું હતું.
દર્દીને ન્યૂરો ફિઝિશિયનને ત્યાં રીફર કર્યા હતા અમે તાત્કાલિક પોલીસ રક્ષણ મેળવવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અમે દર્દીની પરિસ્થિતિ જોઇને તાત્કાલિક પ્રાથમિક સારવાર પણ આપી હતી અને દર્દીની પરિસ્થિતિ જોઇને અમે તેમને ન્યૂરો ફિઝિશિયનને ત્યાં રીફર કર્યા હતા.
દર્દીની વિગતો તથા તે અંગે ડોક્ટરને બ્રિફિંગ પણ કર્યું હતું. બે દિવસની સારવાર બાદ તેઓ અવસાન પામ્યા હતા. ત્યાર બાદ જીવાભાઈ બાટાએ ડોક્ટરની બેદરકારી અને સેવામાં ખામી બદલ 15 લાખનું વળતર મેળવવા માટે ભાવનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી.

