Gujarat

સરદાર બ્રિજ નીચે કચરાના ઢગલામાંથી ભયાનક ધુમાડો નીકળતા વાહનો થંભી ગયાં, 45 મિનિટ બાદ આગ કાબૂમાં આવી

સુરતમાં અતિ વ્યસ્ત રહેતા સરદાર બ્રિજની નીચે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી જવા પામી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. ધુમાડાના ગોટેગોટા બ્રિજ પર ફરી વળવાના કારણે બ્રિજ પર વાહનો થંભી ગયાં હતાં. આ સાથે જ પસાર થતાં કેટલાક વાહનચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આગને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા મળતી માહિતી પ્રમાણે, આજે (11 માર્ચ) બપોરના સમયે સુરતના અતિ વ્યસ્ત ગણાતા સરદાર બ્રિજની નીચે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે તાપી નદીના કિનારે કચરાના ઢગલામાં આગ લાગી જવા પામી હતી.

કચરાના ઢગલામાં લાગેલી આગના પગલે ધુમાડાના ગોટેગોટા બ્રિજ પર આવી ગયા હતા. એક કિલોમીટર દૂરથી દેખાતા ધુમાડાના ગોટેગોટાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ધુમાડાના કારણે બ્રિજ પર વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

પોણા કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવીઃ ફાયર આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અડાજણ ફાયર સ્ટેશનથી એક પાણીનું બ્રાઉઝર મોકલવામાં આવ્યું હતું. પોણા કલાકની જહેમત બાદ કચરાના ઢગલામાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આગ પર કાબૂ મેળવવાના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે, ધુમાડાના પગલે બ્રિજ પરથી પસાર થયેલા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.