Gujarat

ગાંધીનગર મનપાએ વ્યવસાય વેરામાં 16 કરોડની રેકોર્ડ વસૂલાત કરી, ગત વર્ષ કરતાં 17% વધારો

ગાંધીનગર મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાની વસૂલાતમાં મોટી સફળતા મેળવી છે. મનપાએ 15 માર્ચ સુધીમાં 16 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. આ આંકડો ગત વર્ષની 14 કરોડની વસૂલાત કરતાં 17 ટકા વધારે છે.

મનપાના કર્મચારીઓએ શહેરના તમામ વિસ્તારોમાં સઘન વસૂલાત અભિયાન હાથ ધર્યું હતું. ઉત્તર ઝોનમાં GIDC, સેક્ટર-24, 26, 28, વાવોલ અને પેથાપુર વિસ્તારને આવરી લેવાયા. મધ્ય ઝોનમાં સેક્ટર-16 અને 21માં કાર્યવાહી કરવામાં આવી.

દક્ષિણ ઝોનમાં કુડાસણ, ભાટ, ઝુંડાલ, સરગાસણ અને ખોરજમાં વસૂલાત અભિયાન ચલાવવામાં આવ્યું.

મનપાની ટીમોએ વ્યવસાયોની નવી નોંધણી કરવાની સાથે બાકી વેરાની વસૂલાત માટે કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધીમાં 2473 બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. મનપાના અધિકારીઓએ જણાવ્યું કે વસૂલાત અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.