International

ઇઝરાયલ દ્વારા ગાઝા પર હવાઈ હુમલો; આશરે ૨૦૦ લોકોના મોત

ઇઝરાયલ અને હમાસ વચ્ચે બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધવિરામનો અંત!

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામનો આખરે અંત આવી ગયો છે. ૧૭ જાન્યુઆરીએ યુદ્ધવિરામ શરૂ થયા પછીનો ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ સૌથી મોટો હુમલો છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સવારે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં લગભગ ૨૦૦ લોકો માર્યા ગયા છે. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, હમાસે યુદ્ધવિરામ લંબાવવાની અમેરિકાની ઓફરને નકારી કાઢ્યા બાદ ઇઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી છે.

ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ રોકેટ હુમલામાં ઘણા બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. હવાઈ હુમલા પછી, ઇઝરાયલી સેનાએ એમ પણ કહ્યું કે ગાઝામાં તેનું લશ્કરી ઓપરેશન હવાઈ હુમલાઓ ઉપરાંત ચાલુ રહેશે. ઇઝરાયલે કહ્યું કે જાન્યુઆરીમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી આ પ્રદેશમાં આ સૌથી મોટો હુમલો છે.

આ હુમલા બાબતે હમાસે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ઇઝરાયલ તરફથી કરવામાં આવેલો હુમલો નિંદનીય છે અને કહ્યું કે આ હુમલાઓને કારણે બંધકોનું ભવિષ્ય ખતરામાં નાંખી દીધુ છે. મહત્વનું છે કે લગભગ ૨૪ ઇઝરાયલીઓ હમાસ દ્વારા બંધક બનાવાયા છે. જાે કે તેઓ જીવીત છે કે કેમ તે અંગે હવે શંકા છે. હમાસે ચેતાવણી આપી છે ઇઝરાયલના નવા હુમલાએ તેઓ વચ્ચે થયેલુ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. સાથે જ ધમકી ભર્યા અંદાજમાં એમ પણ કહ્યું કે ઇઝરાયલે બંધકોનું નસીબ ખતરામાં મૂકી દીધુ છે. મહત્વનું છે કે ઇઝરાયલે કહ્યું છે કે સીઝફાયરને લંબાવવા માટે ચાલી રહેલી વાતચીતમાં કોઇ પ્રગતિ ન દેખાતા ગાઝા પટ્ટીમાં હવાઇ હુમલો કર્યો.

બીજી તરફ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, તેમના દ્વારા હુમલો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો કારણ કે, હવે યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટોમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું, “ઇઝરાયલ હવે લશ્કરી તાકાત વધારીને હમાસ સામે કાર્યવાહી કરશે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તે ગાઝામાં હમાસ કમાન્ડરોને મારવાનું ચાલુ રાખશે અને તેમના આતંકવાદી ઠેકાણાઓને પણ નિશાન બનાવશે. સેનાએ કહ્યું કે જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે અને ઓપરેશનને હવાઈ હુમલાઓથી આગળ વધારવામાં આવશે.