વર્ષ 2025-26ના નવા શૈક્ષણિક સત્રમાં સુરત શહેર અને જિલ્લામાં માત્ર એક જ નવી સ્કૂલને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 42 નવી સ્કૂલોની અરજી રદ કરવામાં આવી છે.
જરૂરી સુવિધા ન હોવાથી અરજી ફગાવી દેવાઈ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ધોરણ 1થી 8 માટે 43 સ્કૂલ શરૂ કરવાની અરજી કરવામાં આવી હતી. ધો.1થી 5 માટે 24 સ્કૂલ અને ધો.6થી 8 માટે 19 સ્કૂલ શરૂ કરવાની દરખાસ્ત શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂ કરાઈ હતી.
પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગે આમાં માત્ર બારડોલીની કિશોર સ્કૂલ ઓફ એક્સલેન્સને મંજૂરી આપી છે, જ્યારે બાકીની 42 સ્કૂલની અરજી ફાયર સેફ્ટી અને BU (બિલ્ડિંગ યુઝ) પ્રમાણપત્રના અભાવે ફગાવી દેવામાં આવી છે.
સ્કૂલોને શા માટે મંજૂરી ન મળી? જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે સ્પષ્ટ કર્યું કે, નવી સ્કૂલો માટે ખાસ નિયમો હોય છે. જેમ કે, જમીનનું માલિકી હક અથવા 15 વર્ષનો ભાડા કરાર હોવો જરૂરી છે. સ્કૂલના ઈમારત માટે BU (બિલ્ડિંગ યુઝ) પ્રમાણપત્ર હોવું જોઈએ છે. ફાયર સેફ્ટી, રમત મેદાન અને અન્ય ભૌતિક સુવિધાઓ જરૂરી હોય છે. આમાંથી મોટાભાગની સ્કૂલો BU અને ફાયર સેફ્ટીની શરતો પૂર્ણ ન કરતાં અરજી ફગાવી દેવામાં આવી હતી.
સ્કૂલો અપીલમાં, શું મળશે મંજૂરી? હાલમાં, મંજૂરી ન મળેલી કેટલીક સ્કૂલો શિક્ષણ બોર્ડ સામે અપીલમાં ગઈ છે. જો તેઓ તમામ જરૂરી કાગળો અને સુવિધાઓ પૂરી પાડશે તો, શક્ય છે કે આગામી સમયમાં નવા સ્કૂલોને મંજૂરી મળી શકે.

