Gujarat

વિશ્વ ચકલી દિવસ ઉજવી ઘર ચકલી બચાવવા સંકલ્પ કરીએ

20 મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, જે દિવસે માનવ અને ચકલીના સંબંધની ઉજવણી કરાય છે ઘરચકલી હજારો વર્ષોથી માનવની સાથી છે પરંતુ ઘણા વર્ષોમાં તેમની વસ્તી ઝડપથી ઘટી છે.

તેમનો ઘટાડો એ પર્યાવરણની સતત અધોગતિનું સૂચક છે જે વિશે વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજના પૂર્વ પ્રાણીશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડૉ. રાજેશ સેનમા એ જણાવ્યું હતું કે, આપણે બધા ચકલીઓની વચ્ચે મોટા થયા છીએ પરંતુ ઘણાને ખબર નથી કે આ નાના પક્ષીઓને આજકાલ માળો બનાવવા માટે યોગ્ય જગ્યા શોધવામાં સમસ્યા થઈ રહી છે.

એક સર્વે જણાવે છે કે, પાછલા ૨ વર્ષની સરખામણીમાં ચકલી (સ્પેરો) ની વસ્તી અંદાજિત 20 ટકા ઓછી થઈ છે. ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ તથા સ્થાનિક સંસ્થાઓના સહયોગથી નાના પક્ષીઓ વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરાયા છે. ઘર ચકલી એપ્રિલથી ઓગસ્ટ સુધી માળો બનાવે છે.

તેઓ કોલોનીમાં વસાહતી હોવાથી આપણે કૃત્રિમ નેસ્ટ બોક્સ નજીક નજીક મુકીયે તો સારુ રહે. નેસ્ટ બોક્સ પ્રવર્તમાન પવન અને વરસાદથી સુરક્ષિત રહે તો સારુ. આપણા બધાની જવાબદારી છે કે આપણે વિલુપ્ત થતી ઘર ચકલીને બચાવીએ સામાન્ય રીતે ઘરના આંગણામાં ચકલી (સ્પેરો) જોવા મળતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્યાવરણીય સમસ્યાઓ અને મોબાઇલ ટાવરના રેડિએશનને લીધે તેમની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેમ માનવામાં આવી રહ્યું છે.

આજે વર્લ્ડ સ્પેરો ડે છે અને આ વર્ષની થીમ કુદરતના નાના સંદેશવાહકોને શ્રદ્ધાંજલિ છે. વધુમાં તેમણે કહ્યું કે, વૃક્ષો ઓછા થવાની સાથે શહેરમાં નવી ડિઝાઈનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ચકલીઓના રહેઠાણ ઓછા થયા છે, જે ચકલીઓના પ્રમાણમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ બન્યું છે. શહેરમાં વધુ વૃક્ષોનો ઉછેર થાય, રહેઠાણ અને ખોરાક સહિતની યોગ્ય સુવિધામાં વધારો થાય તો આવનારા વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ચકલીઓની સંખ્યા વધે તે માટે ના પ્રયાસો કરવા સર્વને અનુરોધ કર્યો હતો. ચકલીઓ માટેના હેબિટાટ કન્ઝર્વેશન વધે તેવા પ્રયાસ કરવા જોઇએ શહેરમાં ગ્રીન એરિયા વધે માટે વૃક્ષારોપણ કરવું જોઇએ વાઇલ્ડ લાઇફ ફેન્ડલી ગાર્ડન બનાવવા ઘર, ગાર્ડનમાં વધુમાં વધુ માળા લગાવવા. ખેતીમાં જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ થવો જોઈએ ચકલીઓ બચાવવા માટે લોકોમાં જાગૃતતા (અવેરનેસ) લાવવી જોઈએ.