સુરતમાં 6 વર્ષ અગાઉ વિધવા મહિલાનું ખૂન કરી, લૂટ કરી નાસી ગયેલ આરોપીને ઉત્તરપ્રદેશથી વેશપલટો કરી લાલગેટ પોલીસ પકડી લાવી હતી. ત્રણ આરોપીઓએ લૂંટના ઇરાદે માનસિક બીમાર દીકરાની સામે વિધવા માતાની હત્યા કરી હતી. અગાઉ બે આરોપી ઝડપાઈ ગયા હતા. જોકે મુખ્ય આરોપી છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો હતો.
ગત તા. 7/2/2019ના રોજ પોલીસ કંટ્રોલરૂમને એક મહિલાને ચપ્પુ મારેલાનો કોલ મળ્યો હતો. જે આધારે તપાસ કરતા કાંકરા શેરી, સૈયદપુરામાં રહેતી એક વિધવા મહિલા રહેમત ઉરફે રેશ્મા ક્રષ્ણકાન્ત શાસ્ત્રી ઉંમર 40 ને કોઇક અજાણ્યા શખસોએ લૂંટ કરવાના ઇરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂન કરી નાસી ગયા હતા. આ મામલે લૂંટ વિથ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અગાઉ આરોપી મોહમદ અહેમદ ઉર્ફે બિસમીલ્લાહ ઉર્ફે બિસુ આલમખાન (રહે. સરહી, જી. સંતકબીર યુ.પી.) અને ગુલેસત્તાર ઉર્ફે સાહીલ અશરફઅલી અન્સારી (રહે. દુવરાકલા, જી.સિંધી મહારાષ્ટ્ર) પકડાયા હતા અને તેઓની પૂછપરછમાં આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી તરીકે નફીસ રફીક સીદ્દીકની સંડોવણી ખૂલી હતી.
ત્યારબાદ અવારનવાર તપાસ કરતા આરોપી નફીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
લાલગેટ પોલીસને મળેલ બાતમી આધારે આરોપી ગોરખપુર જીલ્લાના કરંજાવા ગામે રહી ડ્રાઇવીંગ કરતો હોવાની માહિતી આધારે તાત્કાલિક ટીમ ઉત્તરપ્રદેશ મોકલી વેશ પલટો કરી આરોપી નફીસ રફીક સીદ્દીક (ઉં.વ. 26 રહે, કરંજાવા, તા.જી. ગોરખપુર ઉત્તરપ્રદેશ)ને પકડી લીધો હતો.

