Gujarat

કોંગ્રેસે કહ્યું- વિસંગતતાના કારણે 250 દર્દીઓને લિસ્ટની બહાર રાખવામાં આવ્યા, લિસ્ટમાં ન હોય તેવા દર્દીઓને પણ ફાળવણી કરાઈ

ગુજરાતમાં સરકાર અનુદાનિત કિડની હોસ્પિટલ IKDRCમાં ગંભીર ગેરરીતિઓ ચાલતી હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે. કિડની ફાળવણી માટે SOTTO (State Organ and Tissue Transplant Organisation)નું જે વેઈટીંગ લિસ્ટ છે તેમાં જે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તેઓના અને જે લોકોને કિડની મળી ચૂકી છે તેઓના નામ પણ સામેલ છે.

આ ઉપરાં IKDRC હોસ્પિટલ સિવાયના ખાનગી હોસ્પિટલના દર્દીઓના નામ મળ્યા છે. વેઈટીંગ લિસ્ટને અપડેટ કરવામાં ન આવતા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરુરિયાતવાળા દર્દીઓ કિડનીથી વંચિત રહ્યા છે.

કિડની ફાળવણી માટે કમિટી બનાવવાની ભલામણનું પાલન નથી કરાયું કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કહ્યું કે, કેગના અવલોકનમાં કિડની નિષ્ણાત દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો કે, જૂન 2022થી ડિસેમ્બર 2023 સુધીમાં વેઈટિંગ લિસ્ટની વિસંગતતાના લીધે 250થી વધુ દર્દીઓને કિડની ફાળવણીના વેઈટિંગ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

જૂન 2022થી ડિસેમ્બર 2023 સુધીના ગાળામાં શું કિડની હોસ્પિટલ SOTTO થી અંગ અલોટમેન્ટ પત્રો મેળવવામાં નિષ્ફળ રહી? કિડની ફાળવણીમાં નેગેટિવ માર્કિંગ આપવાની પદ્ધતિ જે ગુજરાત માં છે તે કેન્દ્ર સરકારના નિયમોમાં નથી. કિડની ફાળવણી માટે પેટા કમિટી બનાવવી પડે તેવી ભલામણ ગુજરાતના કિડની નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી તેનું પાલન કરવામાં નથી આવ્યું.

કિડની હોસ્પિટલના ડોક્ટર દ્વારા RTI દ્વારા વિગત માંગવામાં આવી હતી કે, બે વિદેશી દર્દીઓ જેમના વેઈટિંગ લિસ્ટ નંબર CR 0163152 અને 311969ને કિડની બારોબાર કેવી રીતે મળી ગયી હતી? ચાર દર્દીઓ જેમના વેઈટિંગ લિસ્ટ નંબર CR 0162727,0240167,343589 અને અચિંત્યને વેચાતી કિડની આપવામાં આવી તેવો હોસ્પિટલની અધિકૃતતા કમિટીનો રિપોર્ટ હતો. શું કિડનીનો વેપાર થતો હોય તેવી માહિતિ મળે, તેની તપાસ ઉચ્ચ કક્ષાએ થવી જોઈએ કે નહિ ? વેઈટિંગ લિસ્ટમાં નામ ના હોય તેવા દર્દીને કિડની ફાળવવામાં આવી તેવા ફરિયાદ સામે આવી છે.

કેગના અહેવાલમાં આવેલા છબરડાની તપાસ કરવા માગ કિડની ફાળવણી માં ગેરરીતિઓ અને વિસંગતતાઓ કેગના અહેવાલમાં ઉડીને આંખે વળગે તેવી છે. ગેરરીતિઓના લીધે ગુજરાતના નિર્દોષ દર્દીઓ ભોગ બની રહ્યા છે તે માટે જવાબદાર કોણ? કેગના અહેવાલમાં જણાવ્યા મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટના કોઈ ડેટા રેકોર્ડમાં રાખવામાં નથી આવ્યા.

જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ ની વિગત આપવામાં આવી નહોતી. કિડની હોસ્પિટલની વિગત છુપાવવામાં જે રસ છે તેથી પુરવાર થાય છે કે ‘ચોર કી દાઢી મેં તીનકા’. કિડની હોસ્પિટલમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને કેગના અહેવાલે ઉજાગર કરી છે ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની આંખ ક્યારે ખૂલશે અને તપાસ ક્યારે કરાવશો ?