અમદાવાદના વેજલપુરમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું આયોજન 22 માર્ચ, 2025ના રોજ થઈ રહ્યું છે. દેશમાં વિધાનસભા કક્ષાએ યોજાતો આ એકમાત્ર અને અનોખો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે.
કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ-વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે. રાજપથ ક્લબ પાસે આવેલા જેડ બેન્ક્વેટ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં Paytmના CEO વિજય શેખર શર્મા અને boAtના CMO અમન ગુપ્તા પણ હાજરી આપશે.
ફેસ્ટિવલમાં 1,000થી વધુ સ્ટાર્ટઅપ્સમાંથી 4,500થી વધુ લોકો ભાગ લેશે. વેજલપુર વિધાનસભાના ક્રમાંક 42ને અનુલક્ષીને 42 સ્ટાર્ટઅપ્સને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવશે. લાઈવ પિચિંગ અને ફંડિંગ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. 50થી વધુ ઉદ્યોગ નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
ધારાસભ્ય અમિત ઠાકરના જણાવ્યા અનુસાર, આ ફેસ્ટિવલ નવા વિચારો અને નવીનતા માટેનું મહત્વપૂર્ણ મંચ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાન થકી યુવાનોની શક્તિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્ર હવે ગુજરાતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમનું કેન્દ્ર બની ગયું છે.
વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર દ્વારા ગ્રાસરૂટ સ્તરના યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધવાની તક આપવા અને ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની પહેલ કરવામાં આવી હતી. પ્રથમ સંસ્કરણની ભવ્ય સફળતા પછી, 22 માર્ચ 2025 ના રોજ તેની બીજી આવૃત્તિનું આયોજન થશે.

