ગત બુધવારે એમજીવીસીએલ દ્વારા સાવલી નગરમાં બાકી રહેલ વીજ બિલને લઇને નગરના મુખ્ય વિસ્તારની સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન કાપી નખાયું હતું. આ વિવાદના પડઘમ હજુ શમ્યા નથી ત્યાં નવો વિવાદ ઊભો થયો છે.
ગુરુવારે નગરની મહિલાઓએ પાણી માટે રણચંડી બનીને નગર પાલિકાનો ઘેરાવો કર્યો હતો. આ પાણીના મુદ્દાએ ફરી એક વિવાદને જન્મ આપ્યો છે. જોકે સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને સાવલી નગરપાલિકા ચીફ ઓફિસરે આ સમગ્ર બાબતે મૌન ધારણ કરતાં આશ્ચર્ય થયું હતું.
સાવલી નગરની મહિલાઓએ પાલિકાને બાનમાં લીધું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાવલી નગરપાલિકા પાણી આપો પાણી આપો ના સૂત્રોચાર સાથે મહિલાઓએ પાલિકાનો ઘેરાવો કર્યો હતો. આ કાર્યક્રમથી ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી અને ફરી એકવાર પાલિકાધીશોનો અણધડ વહીવટનો કિસ્સો સામે આવ્યો છે. ઉનાળાના પ્રારંભમાં જ પાણીની બૂમો ઊઠવા પામી છે, તો ભર ઉનાળે કેવી સ્થિતિનું નિર્માણ થશે તે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સરકાર દ્વારા પણ સાવલી નગરપાલિકા બાબતે ઉદાસીનતા વર્તાઇ રહી છે છેલ્લા ઘણા વર્ષોથી સાવલી નગરપાલિકાને પોતાનો કાયમી ચીફ ઓફિસર અપાયેલ નથી. ઘણા સમયથી ફક્ત ચાર્જમાં ઓફિસર મૂકવામાં આવે છે. હાલમાં પણ પાદરાથી ચીફ ઓફિસરને ચાર્જ આપેલ છે. જેઓ ચાર્જના સમયે પણ સાવલી નગરમાં દેખાતા નથી.
તેમજ સાવલી નગરની સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી. નગરજનો પોતાની સમસ્યાઓ લઇને ચીફ ઓફિસર પાસે સંપર્ક કરે છે કે ટેલિફોનિક સંપર્ક કરે છે ત્યારે તેમને ઉદ્ધતાઇથી જવાબ અપાય છે તેવો લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
નગરજનો તેમ પણ જણાવી રહ્યા છે કે સાવલી નગરની સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન હાલમાં જ કપાઇ ગયું. જો સમયસર ચીફ ઓફિસરે આ બાબતે ધ્યાન લઇને યોગ્ય કાર્યવાહી કરી હોત તો વીજ કનેક્શન કપાયું ન હોત અને નગરજનોને અંધારાનો સામનો કરવાનો વારો આવ્યો ન હોત. આ બાબતે સાવલીના ધારાસભ્યે પણ ચીફ ઓફિસરને ટકોર કરી હતી.

