રાજકોટ શહેરના બાલાજી હોલ નજીક આવેલી ક્રિષ્ના સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રીના સ્કૂલમાં ઘૂસેલા એક શખસે પ્રિન્સિપાલ ઓફિસમાં રહેલી રોકડ 39 હજાર ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. બનાવ અંગે ગુનો નોંધી તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટના કાલાવડ રોડ પર રવિ પાર્ક શેરી નંબર 1માં રહેતા દર્શન ખીમશંકરભાઈ દવે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ 4 વર્ષથી 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલની પાછળ આવેલી ક્રિષ્ના સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 20.03.2025ના સવારે 7 વાગ્યા આસપાસ શાળાએ પહોંચ્યા હતા ત્યારે તેમની ઓફિસમાં ટેબલ પર પડેલા પુસ્તકો વિખરાયેલા હતા અને કોમ્પુટર ઊંધું પડેલું જોવા મળ્યું હતું. તેમજ ઓફિસની અંદર રહેલ સીસીટીવી કેમેરો તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા.

આ ઉપરાંત ઓફિસમાં જ પડેલ પ્રાઈમરી પ્રિન્સિપાલ પ્રવિણાબેન પટેલના ટેબલના ખાના પણ તૂટેલા જોવા મળ્યા હતા. આ પછી સ્કૂલના સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું હતું કે આ ટેબલના ખાનામાં રોકડ રૂપિયા 39,100 જે ચોરી થયેલ હોય જેથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રિના 3 વાગ્યાની આસપાસ એક શખ્સ શાળામાં ઘૂસી ચોરી કરી 4 વાગ્યા આસપાસ બહાર નીકળી 150 ફૂટ રીંગ રોડ પર જતો જોવા મળે છે. પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

