Gujarat

નદી કાંઠેથી જીવાપરના આધેડનું સ્કૂટર, જાળી, મોબાઇલ ફોન મળ્યા

આટકોટ અંબાજી મંદિર પાછળથી વહેતી નદીમાં માછલી પકડવા ગયેલા આધેડ કોઇ કારણોસર પાણીમાં ગરક થઇ ગયા હતા. આસપાસના લોકોને જાણ થતાં જસદણ ફાયરની ટીમને જાણ કરાઇ હતી અને તરવૈયાઓએ વ્યાપક શોધખોળ હાથ ધરી છે.

તો બીજી તરફ અંધારું થઇ જતાં રેસક્યુ ઓપરેશન થંભાવી દેવાયું હતું અને આજે શનિવારે ગોંડલથી ફાયરની ટીમ આવી આધેડની શોધ ચલાવશે. નદી કાંઠેથી માછલી પકડવાની જાળ, સ્કૂટર અને ફોન તેમજ ચપ્પલ મળી આવ્યા છે.

આટકોટના અંબાજી મંદિર નજીક 45 વર્ષીય આધેડ વિજય લાખા સાથળિયા નદીમાં ખાબક્યો હોવાની જાણ થતાં જસદણ ફાયર બ્રિગેડની ટીમ ધસી ગઇ હતી. આ અંગે પરિવારને જાણ કરાતાં જાણવા મળ્યું હતું કે તેઓ ઘરેથી ગઇકાલે બપોરે નીકળી ગયા હતા અને પછીથી ફોન પણ બંધ થઇ ગયો હતો.

નદી કિનારેથી આધેડના કપડા, ફોન, ટુ-વ્હીલર તેમજ માછલી પકડવાની જાળ મળી આવી હતી. પરિવાર સાથે બે દિવસ પહેલાં ઝગડો થયો હતો અને ઘર છોડીને નીકળી ગયા હતા. તેમને સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે અને મજૂરી કરી પરીવારનું ગુજરાત ચલાવતા હતાં. આટકોટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.