શહેરમાં વિકાસની સાથે હાઇવે પર દબાણકારોએ ભરડો લીધો છે. શહેરના હાઇવેને અડીને આવેલા ફૂટપાથ અને રોડ પર આડેધડ લારીઓ, પાથરણાં, ગલ્લા ધારકોએ સાથે સાથે કેટલાક દુકાનદારોએ આડેધડ શેડ સહિત અલગ અલગ પ્રકારના દબાણ કરતાં દરરોજ ટ્રાફિક સમસ્યા થતાં રાહદારીઓને પરિવહન કરવામાં હાલાકી પડતાં છેવટે તંત્રએ શુક્રવારે શહેરના હાઇવેના ફૂટપાથ પરના 400 દબાણો દૂર કર્યા હતા
શુક્રવારે સવારે 9 ક્લાકથી જ ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમની ટીમ , સાણંદ પાલિકા તંત્ર, સાણંદ પોલીસ સ્ટાફ સાથે જેસીબી , ટ્રેકટરો, ફાયર વાહનો સાથે સાણંદ કચેરીથી દબાણો હટાવાનું શરુ કર્યું હતું અને સાંજ સુધી 400 જેટલા કાચા દબાણો તોડી પડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરીમાં તંત્રે સાણંદ શહેરમાં આવા 150 જેટલા લોકોને હાઇવેની હદમાંથી દબાણ દૂર કરવા નોટિસ ફટકારી હતી, જો કે ત્યારબાદ દબાણકારોએ ગેરકાયદે દબાણ દૂર ન કરતાં છેવટે તંત્ર દ્વારા શહેરમાં છેલ્લા 5 દિવસથી રિક્ષામાં લાઉન્ડ સ્પીકર દ્વારા ગુરુવાર સુધીમાં જાહેર માર્ગો અને હાઇવે પર દબાણ દૂર કરવા આવા લોકોને અપીલ કરી હતી. અને છેવટે શુક્રવારે દબાણો દૂર કર્યા હતા. જો કે કેટલાક દબાણકારોએ જાતેજ પોતાના દબાણો હટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, દબાણો દૂર થતાં હાઇવે ખુલ્લો થવાથી લોકો ખુશ થયા હતા.

