Gujarat

પૂજ્ય રવિશંકર મહારાજ હોલમાં 1200 લોકોનો બેન્કવેટ હોલ, 200 વિદ્યાર્થીઓની લાયબ્રેરી, 12 એપ્રિલે CM કરશે લોકાર્પણ

મહેમદાવાદ નગરના સ્ટેશન રોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા નવનિર્મિત ‘પૂજ્ય રવિશંકર મહારાજ’ હોલ તૈયાર થઈ ગયો છે. આ અત્યાધુનિક હોલનું નિર્માણ રૂ. 20 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. ત્રણ માળના આ બહુઉદ્દેશીય ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 1200 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો બેન્કવેટ હોલ અને રસોડું છે.

બીજા માળે સેન્ટ્રલ એસી સાથેની લાયબ્રેરી છે. આમાં 200 વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકશે. ત્રીજા માળે સેન્ટ્રલ એસી સાથેનું આધુનિક ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે. ભવનની બહાર સુંદર ગાર્ડન અને 200 વાહનો પાર્ક કરી શકાય તેવો પાર્કિંગ એરિયા છે.

આ હોલનું નામકરણ મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની અને ગુજરાત રાજ્યની ચળવળના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજના નામ પરથી કરવામાં આવ્યું છે. તેઓ મૂકસેવક તરીકે જાણીતા હતા.

સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની રજૂઆતથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે. 12મી એપ્રિલ 2025ના રોજ બપોરે 12 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ હોલનું લોકાર્પણ થશે. આ પ્રસંગે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, અમદાવાદના પૂર્વ સાંસદ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, દસક્રોઇ, વટવા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યો તેમજ ઔડાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીના ખેડા જિલ્લાના પ્રવાસ સંદર્ભે કલેકટરએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપ્યા છે. આ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાના મહેમદાવાદ તથા નડિયાદના ચકલાસી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સંદર્ભમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે મહેમદાવાદ ખાતે આવેલ પૂજ્ય રવિશંકર મહારાજ નવા હોલની મુલાકાત લઈ કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

કલેકટરએ મહેમદાવાદ સ્થિત પૂજ્ય રવિશંકર મહારાજ નવા હોલની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને સફાઈ, વીજળી, રોડ રસ્તા, ટ્રાફિક, ઢોર નિયંત્રણ, ફાયર સેફ્ટી, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની સુચારૂ વ્યવસ્થાઓ જાળવવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેમદાબાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજ નવા હોલનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રી ચકલાસી ખાતેના સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેશે.

આ સાથે જ મહેમદાવાદ ખાતેથી કઠવાડા ખાતે નિર્મિત ઓડિટોરિયમ હૉલ, રણાસણ-એણાસણ ટી.પી. 412-બી માં ઘોડાસર બ્રાન્ચ કેનાલ પર નિર્મિત માઇનોર બ્રિજ તેમજ જળ-જીવન મિશન અંતર્ગત દસક્રોઈ તાલુકાના વિવિધ ગામોમાં પીવાના પાણી માટે કડાદરા દેડવર્કસ આધારિત ટૂંક મેઇન લાઇન, સમ્પ, પમ્પિંગ સ્ટેશનની કામગીરી સહિતના કુલ રૂપિયા 142 કરોડના ખર્ચે નિર્મિત 4-પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરશે.