No Question Please.. વ્હાઇટ હાઉસે એક નવી મીડિયા નીતિ લાગુ કરી
સ્વતંત્ર પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર, આ ર્નિણય અંગે મીડિયા જગતમાં નારાજગી
વ્હાઇટ હાઉસે એક નવી મીડિયા નીતિ લાગુ કરી છે, જે હેઠળ પ્રેસ સેક્રેટરી હવે નક્કી કરશે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોણ પ્રશ્નો પૂછી શકે છે. આ નીતિ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, ખાસ કરીને એસોસિએટેડ પ્રેસની ઍક્સેસને મર્યાદિત કરી શકે છે. મીડિયા જગતે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે.
નવી નીતિ હેઠળ રોઇટર્સ, બ્લૂમબર્ગ અને એસોસિએટેડ પ્રેસ જેવી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલમાંથી હવેથી બાકાત રાખવામાં આવી છે. આ સમાચાર એજન્સીઓને હવે પ્રેસ પૂલમાં કાયમી સ્થાન નહીં મળે.
વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલ લગભગ ૧૦ મીડિયા સંગઠનોનું જૂથ છે. તેમાં પત્રકારો અને ફોટોગ્રાફરોનો પણ સમાવેશ થાય છે. આ લોકો અમેરિકન પ્રમુખની દરેક નાની-મોટી પ્રવૃત્તિને કવર કરે છે. અન્ય મીડિયા સંસ્થાઓ પ્રમુખ સંબંધિત કવરેજ માટે પ્રેસ પૂલમાં સમાવિષ્ટ મીડિયા સંસ્થાઓ પર આધાર રાખે છે.
જાેકે હવે નીતિમાં ફેરફાર પછી આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો માટે અમેરિકન પ્રમુખ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બનશે. વ્હાઇટ હાઉસના આ ર્નિણય પર પ્રતિક્રિયા આપતા, આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોએ તેને પ્રેસ કવરેજને નિયંત્રિત કરવાનો પ્રયાસ ગણાવ્યો, જે સ્વતંત્ર પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર કરી શકે છે.
નવી નીતિ હેઠળ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ હવે નક્કી કરશે કે કયો પત્રકાર અથવા મીડિયા સંગઠન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્નો પૂછી શકે છે. આ નીતિ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ, પ્રેસ બ્રીફિંગ રૂમ અને રાષ્ટ્રપતિના ખાસ વિમાન ‘એરફોર્સ વન‘માં પણ લાગુ પડશે.
ઘણી મીડિયા સંસ્થાઓ માને છે કે આ નીતિ વૈશ્વિક સ્તરે સમાચાર કવરેજને અસર કરશે, કારણ કે એજન્સીઓ વિશ્વભરના લાખો વાચકોને સમાચાર પૂરા પાડે છે. જ્યારે તેમની પહોંચ પ્રતિબંધિત કરવામાં આવે છે, ત્યારે તે લોકોને નિષ્પક્ષ અને સચોટ માહિતીના પુરવઠામાં અવરોધ ઊભો કરશે. આનાથી ફક્ત અમેરિકામાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રેસની સ્વતંત્રતા પર અસર પડશે. હવે એ જાેવાનું રસપ્રદ રહેશે કે વ્હાઇટ હાઉસ આ નીતિને વળગી રહે છે કે કાનૂની અને લોકશાહી દબાણને કારણે તેમાં ફેરફાર કરે છે.