જુનાગઢ એ.ડીવી. પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે કુલ 5.84 લાખની કિંમતનો મુદ્દામાલ તેના માલિકોને પરત કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ.ડીવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.કે. પરમારની સૂચના મુજબ, પોલીસે CEIR પોર્ટલ અને ટેકનિકલ સોર્સની મદદથી 21 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા. આ મોબાઈલની કુલ કિંમત 3,41,993 રૂપિયા છે.

વધુમાં, પોલીસે ચોરીના કેસમાં એક ફોર વ્હીલ અને ચાર મોટરસાઇકલ પણ રિકવર કર્યા. આ વાહનોની કુલ કિંમત 2,43,000 રૂપિયા છે. રિકવર કરાયેલા વાહનોમાં એક વેગનઆર કાર (કિંમત 70,000), બે લેન્ડર મોટરસાઇકલ (કિંમત 45,000), એક HF ડીલક્ષ મોટરસાઇકલ (કિંમત 78,000) અને એક એક્ટિવા (કિંમત 50,000)નો સમાવેશ થાય છે.

નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી અને પો.હેડ.કોન્સ ટી.બી.સિંધવે મુદ્દામાલ તેના માલિકોને સુપ્રત કર્યો. પોલીસે જણાવ્યું કે હજુ પણ અન્ય ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવાની કામગીરી ચાલુ છે.

