Gujarat

NMMS અને નવોદય પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ મેળવી સફળતા, જિલ્લામાં પ્રથમ સ્થાન

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની રાસકા પ્રાથમિક શાળાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના 8 વિદ્યાર્થીઓએ NMMS પરીક્ષા અને 2 વિદ્યાર્થીઓએ જવાહર નવોદય પરીક્ષા પાસ કરી છે.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષાઓમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ અને શિષ્યવૃત્તિનો લાભ મળે છે.

NMMS પરીક્ષામાં સફળ થનાર વિદ્યાર્થીઓમાં હેત્વી, નિયતિ, ધ્રુવિશા, કાજલ, ક્રિષ્ના, મીત, મહેશ અને પ્રતિકનો સમાવેશ થાય છે. ખાસ કરીને, હેત્વીએ સમગ્ર ખેડા જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અજીતભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવારને અભિનંદન મળ્યા છે. સી.આર.સી. કો-ઓર્ડિનેટર ભરતભાઈ ડાભી અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર દીપકભાઈ સુથારે શાળાની મુલાકાત લીધી. તેમણે સફળ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા અને શુભેચ્છાઓ પાઠવી.