નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરી વોક વે પર રોજ મોટી સંખ્યામાં લોકો સવાર અને સાંજે ચાલવા માટે આવે છે. પરંતુ જાળવણીના અભાવે હવે લોકો પણ અહીં ચાલવા આવવાનું ટાળે છે. અન્ય વોક વે ની જેમ આ વોક વે ની પણ તંત્ર દ્વારા પુરતી જાળવણી કરવામાં આવે તેવી માંગ હાલમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 14 મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.246 લાખના કામ કરવામાં આવ્યા હતા. જેમાં વોક વે નો પણ સમાવેશ થાય છે. વોક વે બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો સવારે અને સાંજે ત્યાં ચાલવા માટે આવતાં હતા. જોકે, શહેરમાં મોટાભાગે થાય છે તેમ આ વોક વે ની જાળવણી કરવામાં પણ તંત્ર ઉણું ઉતર્યું છે.
વોક વે ની નિયમિત રીતે સફાઇ કરવામાં આવતી નથી. જેને કારણે ઠેકઠેકાણે ઝાડી – ઝાંખરા ઉગી નીકળ્યા છે, તેની પણ સફાઇ કરવામાં આવતી નથી. આ ઉપરાંત મોટાભાગના દિવસોમાં વોક વે ની લાઇટ બંધ રહેતી હોવાથી અંધારપટ છવાતાં લોકો ત્યાં જવાનું ટાળે છે.
આ ઉપરાંત તળાવમાં જંગલી નાળો ઉગી હોવાથી અને તેની સફાઇ કરવામાં આવતી ન હોવાથી તેમાંથી અસહ્ય દુર્ગંધ પણ આવે છે. વોક વે ફરતે બનાવવામાં આવેલી દિવાલોમાં તિરાડો પણ પડી ગઇ છે. જેને કારણે લોકોને ચિંતા રહે છે.
આ ઉપરાંત વોક વે પર રખડતાં શ્વાનનો પણ ત્રાસ હોવાથી લોકો જાળવણીના અભાવે હવે ચાલવા જવાનું ટાળી રહ્યા છે. ત્યારે સારા ઉદ્દેશથી બનાવેલો વોક વે દેખરેખના અભાવે ખરાબ થઇ રહ્યો હોવાથી તંત્ર આ બાબતે ગંભીરતા દાખવે તેવી માંગ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
મુખ્ય ગેટ તૂટી જતાં રખડતી ગાયો અને કૂતરાંનો વોક-વેમાં ત્રાસ
વોક વે નો મુખ્ય ગેટ તૂટી ગયો હોવાછતાં તેની મરામત કરવામાં આવી રહી નથી. જેને કારણે રખડતી ગાય અને કુતરા વોક વે માં પ્રવેશી આવતાં હોવાથી ચાલવા આવતાં લોકોને પણ ભય રહે છે. આ ઉપરાંત આ રખડતાં પશુઓને કારણે વોક વે પર ગંદકી પણ ફેલાય છે.
વોક-વેની વચ્ચોવચ બે વર્ષથી આખો માણસ ઉતરી જાય તેવા ખાડો
સ્થાનિકોના જણાવ્યાનુસાર, પેવર બ્લોક નાખીને બનાવવામાં આવેલાં વોક વે ની વચ્ચોવચ્ચ છેલ્લા લાંબા સમયથી એક મોટો ભૂવો પડ્યો છે. આખેઆખો માણસ ઉતરી જાય એવો ખાડો પડ્યો હોવાછતાં તંત્ર દ્વારા તેની પણ મરામત કરવામાં આવી રહી નથી. જેને લઇને અંધારામાં અકસ્માતે કોઇ વ્યક્તિ અંદર ઉતરી જાય તેવી ભિતી પણ જોવા મળી રહી છે.

