Gujarat

વોટર લોગિંગ, દિવાદાંડી સહિત વિવિધ મુદ્દાઓ પર થઈ ચર્ચા

ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લામાં વિવિધ વોટર લોગિંગના પોઈન્ટ્સની ઓળખ અને તેના નિવારણ માટેના આયોજનની સમીક્ષા કરવામાં આવી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે દિશાસૂચક દિવાદાંડી, મત્સ્ય ઉતરાણ કેન્દ્ર અને પવનચક્કીની મંજૂરી જેવા મુદ્દાઓ રજૂ કર્યા. સૂત્રાપાડા તાલુકાના વિરોદર ગામની જર્જરિત પાણીની ટાંકી અને બ્રોડગેજ-મીટરગેજ લાઈન અંગે પણ ચર્ચા થઈ.

કલેક્ટર જાડેજાએ તમામ વિભાગોને એકબીજા સાથે સંકલન કરી જનસુખાકારીના પ્રશ્નોનું નિયમાનુસાર અને સમયસર નિરાકરણ લાવવા સૂચના આપી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગીર-પશ્ચિમ વનવિભાગના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ અને અન્ય જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.