Gujarat

40 ડિગ્રી તાપમાનમાં 2000થી વધુ લોકોને મળશે વિનામૂલ્યે છાસ, બહેનોને સાડી-ડ્રેસની ભેટ

અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં આવેલા લાલજીદાદાના વડલા ખાતે માનવસેવાનો અનોખો યજ્ઞ શરૂ થયો છે. અહીં 40 ડિગ્રી જેવા ઊંચા તાપમાન વચ્ચે વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

માતૃશ્રી સંતોકબા મેડિકલ સેન્ટર દ્વારા આયોજિત આ સેવાયજ્ઞમાં 500 કુટુંબના 2000થી વધુ લોકોને લાભ મળશે. લાલજીદાદાના વડલાની શીતળ છાયામાં શરૂ થયેલા આ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને લાઠી નગરપાલિકાના પ્રમુખ દયાબેન જમોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરણાથી શરૂ થયેલા આ કેન્દ્રમાં છાસ ઉપરાંત લાભાર્થી બહેનોને સાડી અને ડ્રેસની ભેટ પણ આપવામાં આવી રહી છે. કાર્યક્રમમાં પ્રભુભાઈ ધોળકિયાએ વ્યસનમુક્તિનો સંદેશ પણ આપ્યો હતો. હાલમાં સૌરાષ્ટ્ર સહિત અમરેલીમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આવી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા માટે આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.