સાવરકુંડલા તાલુકાના નાના એવા જીરા ગામમાં પાંચ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આ વૃક્ષોરોપણ પહેલા સમગ્ર ગામના ગ્રામજનો દ્વારા ગામની ફરતે 5 હજાર વૃક્ષોની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જીરા ગામના લોકોએ પર્યાવરણની રક્ષા માટે એક અનોખુ કદમ અપનાવ્યું હતુ અને વાજતે ગાજતે પાંચ હજાર વૃક્ષોની શોભાયાત્રા કાઢી ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોનુ વાવેતર કરાયુ હતુ.
ગામમા વિશાળ તળાવ બનાવવાનો પણ સંકલ્પ લેવાયો હતો. આજે ગામ અને સીમ તથા જીરા અને આસપાસના ગામોમાં પાણીના તળ ઊંચા આવે એ માટે 60 વિધા જમીનમાં સરોવર બનાવવામાં આવ્યું છે. અહી જનજાગૃતિ સંઘના ઉપક્રમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા અહીંના યુવા ઉદ્યોગપતિ પરેશ ડોબરીયા અને ગામના અન્ય લોકોનો સહકાર મળ્યો હતો.
લોકોમા પર્યાવરણ અને પાણી બચાવવાના મુદે જાગૃતિ આવે તે માટે અહી એક નવા અભિયાનની શરૂઆત કરાઈ હતી. જે અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવવા તથા પાણીનો સંગ્રહ થાય તે માટે પ્રયાસ હાથ ધરવામા આવ્યો છે. જેમાં સમગ્ર ગામના ગ્રામજનો ભાઈઓ બહેનો તન મન ધનથી સહકાર આપી રહ્યા છે.
સ્થાનિક ગામ લોકો ઉપરાંત સુરત, અમદાવાદ અને મુંબઇમા વસતા જીરા ગામના લોકોએ એકસાથે પાંચ હજાર વૃક્ષો વાવવાનુ આયોજન હાથ ધર્યુ હતુ અને તેની માવજત અને ઉછેરવાની જવાબદારી પણ સ્વીકારવામા આવી હતી. જનજાગૃતિ સંઘના ઉપક્રમે હિંમતભાઈ દેસાઈ, હિંમતભાઈ વાવડીયા, કાનજીભાઈ કોલડીયા, બાબુભાઈ ચોડવડીયા, વિક્રમભાઈ ખુમાણ, જીવનભાઈ સાવજ, દાસભાઈ બાળધા વિગેરેની હાજરીમા વૃક્ષના છોડની શોભાયાત્રા કાઢવામા આવી હતી.
ગામની મહિલાઓ વાજતે ગાજતે આ વૃક્ષના છોડ લઈ વૃક્ષારોપણના સ્થળે પહોંચી હતી અને જયાં હોંશભેર જુદાજુદા વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યું હતુ. વસતી કનેક્ટિવિટી જીરા ઉપરાંત નાના ભમોદ્રા, ચરખડીયા, ઓળીયા, સિમરણ, બોરાળા, ખડકાળા, ભુવા, જુનાસાવર ગામના રસ્તા અને કાચા માર્ગો પર પણ વૃક્ષારોપણ કરાયુ છે.

