ગ્રામ્ય વિસ્તારની કલ્પનાને હવે લોકોએ બદલવાની તાતિ જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે યુવાઓને ઘર અને ગામથી દૂર મોટાં શહેરોમાં જવું ન પડે તેવા સ્તુત્ય વિચાર સાથે ખેડા જિલ્લાના તાલુકા મથક મહેમદાવાદ ખાતે અદ્યતન લાયબ્રેરી બનાવવામાં આવી છે. જેમાં સાહિત્યના પુસ્તકોની સાથે સાથે સવિશેષ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતાં પુસ્તકોને સમાવવામાં આવ્યા છે.
મોબાઇલના દુષણ તરફ વળેલાં યુવાધનને પુસ્તકો તરફ વાળવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, હવે જે યુવાઓ કોઇ ધ્યેય સાથે જીવનમાં આગળ વધે છે તેમને અભ્યાસ માટેના પુરતાં પુસ્તકો અને સુવિધાસભર વાંચન માટેની જગ્યા સ્થાનિક કક્ષાએ મળતી નથી. આવા યુવાઓને નાછૂટકે મોટી સીટીમાં અભ્યાસાર્થે જવું પડે છે.
જોકે, હવે નાના તાલુકા મથકોએ પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવાઓને લાયબ્રેરીની સુવિધા મળી રહે તેવા સ્તુત્ય પ્રયાસ સાથે તાલુકા મથક મહેમદાવાદ ખાતે એક અદ્યતન લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે.
આ લાયબ્રેરીમાં કુલ 8 હજાર પુસ્તકો છે. જેમાં સાહિત્યના અર્વાચિન પુસ્તકોની સાથે સાથે ગદ્ય – પદ્ય વિભાગમાં અનેક પુસ્તકોની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકોને પણ સમાવવામાં આવ્યા છે. જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગાંધીનગર કે અન્ય મોટી સીટીમાં જતાં વિદ્યાર્થીઓને ઘર આંગણે જ પુસ્તક તેમજ વાંચનની સુવિધા મળી રહે.
આ ઉપરાંત પીએચ.ડી કરવા માંગતા લોકો માટે પણ જરૂરી સાહિત્ય આ લાયબ્રેરીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તાલુકા મથક ખાતે આવી લાયબ્રેરીઓ બનાવવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહેવાની સાથે સાથે સંદર્ભ પુસ્તકો પણ ઘર આંગણે મળી રહેતાં તેમને રાહત રહે.
લાયબ્રેરીને અપગ્રેડ કરવાનું આયોજન
હાલમાં જે લાયબ્રેરી છે તેને આવનારા સમયમાં અપગ્રેડ કરવાનું પણ આયોજન છે. વિદ્યાર્થીઓને એસીની સુવિધા મળી રહે, વાયફાયની સુવિધા ઉપરાંત ઇ- લાયબ્રેરીનું પણ આયોજન કરવામાં આવશે તેમ સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું. હાલમાં લાયબ્રેરીમાં તમામ પુસ્તકો અને તમામ સુવિધાઓ મળી રહે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

