Gujarat

ભુજના સરગુ ગામે હિસ્ટ્રીશીટરનું 10 લાખનું અનધિકૃત બાંધકામ તોડી પડાયું

પશ્ચિમ કચ્છ પોલીસે ભુજના સરગુ ગામમાં દબાણ ઉપર કાર્યવાહી કરી છે. પોલીસે એક હિસ્ટ્રીશીટરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે. આ બાંધકામ લિયાકતઅલી રસીદઉલ્લા નોડે નામના શખ્સે કર્યું હતું. લિયાકતઅલી મૂળ ભુજના લુડિયાંનો રહેવાસી છે અને હાલમાં ભારાપરમાં રહે છે. તેની સામે કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં 5થી વધુ છેતરપિંડીના કેસ નોંધાયેલા છે.

આરોપીએ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારના સરગુ ગામમાં બન્ની વિસ્તારની વન વિભાગની જમીન પર કબજો કર્યો હતો. આ જમીન પર તેણે પોતાના રહેણાંક માટે મકાન અને વાડો બનાવ્યો હતો. આ ગેરકાયદે દબાણ આશરે 15,000 ચોરસ મીટર જેટલું હતું, જેની કિંમત અંદાજે 10 લાખ રૂપિયા આંકવામાં આવી છે. વહીવટી તંત્રે આ ગેરકાયદે બાંધકામને તોડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી ખાવડા પોલીસ સ્ટેશન, પશ્ચિમ કચ્છ, ભુજના નેતૃત્વમાં કરવામાં આવી હતી.