Gujarat

3.95 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સરકારી શાળાનું લોકાર્પણ, સ્માર્ટ ક્લાસથી લઈને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ

કઠલાલ તાલુકાના કાકરખાડ ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે શાળાના નવા મકાનની તખ્તીનું અનાવરણ કર્યું હતું.

રૂપિયા 3.95 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ શાળામાં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ, સુસજ્જ સભાખંડ અને વિજ્ઞાન પ્રયોગશાળા છે. વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ અને વોકેશનલ લેબની સુવિધા પણ ઉપલબ્ધ છે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે. કન્યાઓ માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

શાળાનું મકાન દિવ્યાંગજનોને અનુકૂળ બનાવવામાં આવ્યું છે. મકાનમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસની વ્યવસ્થા છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને મકાન ઇકો-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને રમત-ગમતનું મેદાન પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.

કાર્યક્રમ દરમિયાન સાંસદે કપડવંજ ખાતે નવા પશુ દવાખાનાની રૂ. 85.56 લાખની યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું. વિવિધ દૂધઘરોને બાંધકામ સહાય પેટે કુલ રૂ. 8 લાખના ચેક આપવામાં આવ્યા. પોષણ પખવાડાની ઉજવણી અંતર્ગત ICDS કિટનું વિતરણ કરાયું અને મહેમાનોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું.