કપડવંજ પંથકમાં લગ્ન કરવા જતાં એક યુવક છેતરપિંડીનો શિકાર બન્યો છે. અમદાવાદની યુવતી અને અન્ય લોકોએ નાણાં પડાવી ઘરેણા મેળવી લગ્ન કરી છુમંતર થતા સમગ્ર મામલે યુવાને કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કપડવંજ તાલુકાના પથોડા ગામે બિહોલાવાસ વિસ્તારમાં 35 વર્ષીય યુવક છે. તેઓ અપરણિત હોય યુવતીની શોધમાં હતા. દરમિયાન કપડવંજ તાલુકાના કરસનજીના મુવાડા ગામે રહેતા નટુ બાબર પરમારના સંપર્કમાં આવ્યા હતા. આ નટુએ યુવકને જણાવ્યું કે, મારી સાસરીમાં મુકેશ ભીખા ચૌહાણ (રહે.આબલીયારા, તા.બાયડ) છે.
જેમની ભત્રીજી છે જો લગ્ન કરવા હોય તો વાત કરીએ, યુવક લગ્ન કરવા ઈચ્છતા હોય તેમણે હા પાડી હતી. આ બાદ આ નટુ પરમારે મુકેશ સાથે વાત કરી તમામને ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે નહેરુ ચોકડીએ મીટીંગ કરી હતી. જ્યાં લગ્ન કરવા ઈચ્છતા યુવક અને આ મુકેશની ભત્રીજી રશ્મી ઉર્ફે આરતી મુક્તિરામ સાધુ પણ હાજર હતી. આ ઉપરાંત અહીંયા આ રશ્મી ઉર્ફે આરતીનો ભાઈ રવિ પણ હજાર હતો.
આ બાદ યુવક અને યુવતી એકબીજાને પસંદ કરતા લગ્નની વાત થઈ હતી. જેમાં આ મુકેશ અને રવિએ લગ્ન કરાવી આપવાના બદલામાં રૂપિયા 90 હજાર થશે અને 90 હજારમાં ડીલ નક્કી થઈ હતી. જેમાં યુવકના પિતાએ રૂપિયા 55 હજાર રોકડા આપી દીધા હતા અને બીજા લગ્ન બાદનો વાયદો નક્કી થયો હતો.
1 એપ્રિલ 2025ના રોજ લગ્ન નક્કી થયા અને કપડવંજ તાલુકાના ઘડીયા ગામે ફુલહાર વીધી કરી બંનેએ લગ્ન કરી લીધા હતા. આ સમયે વાયદા મુજબના નાણાં પણ યુવકના પિતાએ આપી દીધા હતા. તો બીજી તરફ યુવકના પરિવાર તરફથી સોના, ચાંદીના દાગીના પણ આપવામાં આવ્યા હતા. બાદમાં બીજા દિવસે આ મુકેશે યુવકને ફોન કરી જણાવેલ કે, રશ્મી ઉર્ફે આરતીની મુકી જાવ અને બે દિવસ પછી તેડી જજો, જેથી યુવક પોતાની પત્ની રશ્મી ઉર્ફે આરતીને મુકવા માટે આવ્યો હતો અને બે દિવસ બાદ ફોન કરતા આ મુકેશે જણાવેલ કે, તે હાલ બીમાર છે તે બાદ આ રશ્મી ઉર્ફે આરતીએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
આથી પાંચ દિવસ બાદ ગામમાં તેડવા જતાં મુકેશ કે રશ્મિ હાજર નહોતા અને તપાસ કરતા આ બંને લોકો બીજી જગ્યાએ રહેતા હોવાની માહિતી મળી હતી. આ ઉપરાંત આ બંને લોકો કાકા ભત્રીજીનો સંબંધ ધરાવતા પણ નહોવાની અને બંને લોકો લગ્નની લાલચ આપી લોકોને ફસાવતા હોવાની માહિતી મળી હતી.
આ વચ્ચે 18 એપ્રિલના રોજ યુવકે આ રશ્મી ઉર્ફે આરતીને ફોન કરતા તેણે જણાવ્યું કે,’ હું તમારા ઘરે આવવાની નથી અને તમારાથી થાય તે કરી લેજો’, જેથી યુવકને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં સમગ્ર બનાવ મામલે તેમણે મુકેશ ભીખા ચૌહાણ (રહે.જુનવાડ, આબલીયારા, બાયડ), નટુ બાબર પરમાર (રહે.કરસનજીના મુવાડા, કપડવંજ), રશ્મિ ઉર્ફે આરતી મુક્તિરામ સાધુ (રહે.થુલૂટા, અમદાવાદ) અને રવિ નામાના ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. અને રૂપિયા 90 હજાર રોકડા અને અન્ય દરદાગીના મળી કુલ રૂપિયા 1 લાખ 7 હજારની છેતરપિંડી વિશ્વાસઘાત કર્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

