Gujarat

રાશનકાર્ડ સહિતની કામગીરીમાં વિલંબ, ગરમીમાં લોકો કલાકો સુધી લાઈનમાં

ગાંધીધામની મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ સહિતની કામગીરીમાં થઈ રહેલા વિલંબથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. દરરોજ 500થી 700 લોકો વિવિધ સરકારી સેવાઓ માટે કચેરીની મુલાકાત લે છે.

કચેરીમાં ટેક્નિકલ સમસ્યાઓને કારણે રાશનકાર્ડ, જાતિનો દાખલો અને આવકના દાખલા જેવી સેવાઓમાં વિલંબ થઈ રહ્યો છે. ભીષણ ગરમીમાં લોકોને કલાકો સુધી કચેરી બહાર રાહ જોવી પડે છે.

રાશનકાર્ડની કામગીરીમાં વિશેષ સમસ્યાઓ સર્જાઈ છે. અનેક લોકોની ફરિયાદ છે કે KYC કરાવ્યા પછી પણ તેમના રાશનકાર્ડમાંથી સભ્યોના નામ ગાયબ થઈ ગયા છે. આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ મળ્યું નથી. અરજદાર રામજીભાઈએ જણાવ્યું કે, ગરમીમાં લાંબો સમય રાહ જોવા છતાં કામ થશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.

લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે, છતાં કામમાં પ્રગતિ થતી નથી. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોએ તંત્રને તાકીદે યોગ્ય પગલાં લેવા અપીલ કરી છે. જેથી સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે અને તેમને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.