પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાપર તાલુકા અને ખડીર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 24 કલાક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર આડેસર ખાતે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અહીંથી રાજસ્થાન, દિલ્હી, પંજાબ સહિત 16 રાજ્યોના વાહનોની અવરજવર થાય છે. આંતર રાજ્ય અને આંતર જિલ્લાની એસટી બસ તથા લક્ઝરી બસોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

કંડલા, મુંદ્રા, લખપત, ગાંધીધામ અને ભુજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જતા માલવાહક વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. આડેસર પોલીસ મથક હેઠળના મોમાયમોરા, વરણુ, વાછળા, દાદારણ, મેઢક રણ અને અન્ય રણ વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. કોઈપણ શંકાસ્પદ વાહન કે પ્રવૃત્તિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

