રાપર નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા 12 કર્મચારીઓને આજે તેમના લાભની રકમના ચેક આપવામાં આવ્યા. આ રકમમાં ગ્રેજ્યુઇટી, રજા પગાર, ઉચ્ચતર પગાર ધોરણ અને એરિયર્સનો સમાવેશ થાય છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી અને હિસાબનીશ મહેશ સુથાર તેમજ કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢાએ જણાવ્યું કે, લાંબા સમયથી નિવૃત્ત કર્મચારીઓના લાભની રકમ બાકી હતી. નગરપાલિકા પાસે પૂરતું ભંડોળ ન હોવાથી આ ચુકવણી અટકી હતી.

ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગાંધીનગર સ્થિત સચિવ અને મંત્રી સમક્ષ રજૂઆત કરી. તેના પરિણામે 91 લાખ 86 હજાર રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ. આ રકમના ચેક નિવૃત્ત કર્મચારીઓ અને તેમના વારસદારોને આપવામાં આવ્યા.
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, ચીફ ઓફિસર રવાજી જાડેજા સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા. શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજાએ કાર્યક્રમનું સંચાલન કર્યું અને ચીફ ઓફિસર રવાજી જાડેજાએ આભારવિધિ કરી.

