Gujarat

2 મેએ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજન, નગરમાં ઠેર-ઠેર થશે સ્વાગત

વૈશાખ સુદ પાંચમ, 2 મેના રોજ સોમનાથ મહાદેવ મંદિરના સ્થાપના દિવસે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂના સોમનાથ મંદિરથી બપોરે 2 વાગ્યે યાત્રાનો પ્રારંભ થશે.

યાત્રા મેઈન બજાર, વડલા ચોક, રામરાખ ચોક અને પાટ ચકલા વિસ્તારમાંથી પસાર થશે. રામરાખ ચોક ખાતે પાલખી યાત્રાની આરતી ઉતારવામાં આવશે.

સમગ્ર માર્ગ પર રંગોળીઓ અને શણગાર કરવામાં આવશે. ભુદેવો પરંપરાગત વેશભૂષામાં યાત્રામાં જોડાશે. યાત્રા દરમિયાન રૂદ્રાભિષેક, વેદમંત્રોચ્ચાર અને શિવ સ્તુતિઓનું ગાન કરવામાં આવશે.

આ બીજા વર્ષે યોજાઈ રહેલી પાલખી યાત્રા છે. પ્રભાસતીર્થ સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટના જણાવ્યા અનુસાર, સર્વ જ્ઞાતિઓના સહયોગથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

75 વર્ષ પહેલા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

વિધર્મીઓના આક્રમણ બાદ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. સદીઓથી હિન્દુ સનાતન ધર્મના પ્રતીક રૂપે સોમનાથ મંદિર દર્શન આપી રહ્યું છે. આ મંદિર વિસર્જન અને સર્જનની ગાથાનું સાક્ષી બની રહ્યું છે.