ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર ગઈકાલે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. દુધઈ તરફથી આવી રહેલું મીઠું ભરેલું ડમ્પર અચાનક બેકાબૂ બની રોડ વચ્ચેના ડિવાઈડર પર ચડી ગયું હતું. અકસ્માતના કારણે આજે સવાર સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
સવારે વાહન માલિકે ક્રેન દ્વારા ડમ્પર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા ન મળતાં અન્ય વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ભૂકંપ બાદ આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. તેની સાથે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો છે.

ચાલુ વર્ષે જ બે અલગ-અલગ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે. થોડા દિવસ પહેલા વિજ કચેરી સામે મીઠા ભરેલું ડમ્પર વીજ થાંભલા સાથે અથડાયું હતું. કસ્ટમ ઓવરબ્રિજ નીચે લોખંડના એંગલ ભરેલું ટ્રેલર પણ પલટી જતાં એક કાર ચાલકના પગ કચડાયા હતા.
સ્થાનિક રહીશોએ રોષપૂર્વક જણાવ્યું કે વહીવટી તંત્ર, પોલીસ કે આરટીઓ વિભાગ માલવાહક વાહનો સામે કોઈ કાર્યવાહી કરતા નથી. સરકારી મિલકતને નુકસાન કરનારા વાહન ચાલકો સામે પણ કોઈ પગલાં લેવાતા નથી.
દુધઈથી આવતા માલવાહક વાહનો માટે જીઈબી સર્કલ અને નવી ભચાઉ વાયા માનસરોવર બાયપાસ માર્ગ હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી. અકસ્માતની ઘટનાઓ નિવારવા જવાબદાર તંત્ર ગંભીર બને તે જરૂરી છે અન્યથા મોટી જાનહાની સર્જાય તેવી ભીતિ લોકોને સતાવી રહી છે.

