સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————– સાવરકુંડલા શહેરમાં ગત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે લોકોને હથેળીમાં ચાંદ બતાવી પાલિકામાં સત્તા મેળવી લીધી અને લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂકી ૩૬ માંથી ૩૧ સીટ ભાજપને જીતાડીને સત્તા સ્થાને બેસાડી શહેરમાં વિકાસની અપેક્ષા રાખી હતી પરંતુ આજે ભાજપ સત્તા સ્થાને બેસી તેને દસ દસ મહિનાઓ વીતવા છતાં શહેરમાં એક પણ વિકાસનું કામ શરૂ નહીં થતાં લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.જેથી હવે આવનારી ધારાસભાની ચૂંટણીમાં લોકોએ સમજી વિચારીને મતદાન કરવા પૂર્વ શહેર કોંગ્રેસના પ્રમુખ હસુભાઈ સુચકે લોકોને આહવાન કર્યું છે વધુમાં શ્રી સુચકે જણાવ્યું છે કે સાવરકુંડલા પાલિકામાં કોંગ્રેસનું સાશન હતું ત્યારે શહેર .આખ્ખામાં અઢળક વિકાસ થયો છે અને છેલ્લે સાડા ત્રણ કરોડના રોડ રસ્તા પણ કોંગ્રેસના શાસનમાં મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ ભાજપ સતા સ્થાને આવી એટલે જનરલ સભામાં ઠરાવ કરી કોંગ્રેસના મંજુર કરેલા રોડ રસ્તા કેન્સલ કરી નાખ્યા અને પોતાના મળત્યા ને કામ મળે માટે ફરી ટેન્ડર પક્રિયા કરી જેથી સ્વવિકાસ કરવા ભાજપ લોકોને હેરાન પરેશાન કરી રહી હોવાનો હસુભાઈ સુચકે આક્ષેપ કર્યો છે.અને મગરની પીઠ જેવા ઉબડ ખબાડ રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી જેસર રોડ ફાટકથી રેલવે સ્ટેશન વાળો રોડતો યમરાજને આમંત્રણ નોતરતો રસ્તો હોય તેવી હાલત જોવા મળે છે અને શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તાની દયનીય હાલત જોય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ને ભાજપ નકરા ઉત્સવો અને સ્નેહમિલનોમાં પડી છે.શહેરમાં ઠેક ઠેકાણે ગંદકીના ઢગલાં જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને રોગચાળાની ભીતિ સેવાય રહી છે અને શાકમાર્કેટમાં અતિશય ગંદકીના કારણે બકાલીઓએ ગંદકીથી ત્રાહિમામ પોકારી શાકમાર્કેટની જગ્યા છોડી સાવરકુંડલા અમરેલી નેશનલ હાઇવેપર લારીઓ રાખી ધંધો કરવાની ફરજ પડી છે જ્યાં ટ્રાફિકના કારણે ક્યારે અકસ્માત થાય તે નક્કી નહીં..!!છતાં પાલિકાના પેટનું પાણી પણ હલતું નથી !! અને વેરો ઉઘરાવવા મસમોટી જાહેરાતો કરી રેડીઓ ફેરવી લોકોને નળ કનેક્શન કાપવાની ધમકીઓ આપવામાં આવે છે. તો શું લોકોએ ભાજપને મત આપી આ માટે સતામાં બેસાડી છે? અને કોંગ્રેસ પાલિકામાં સતામાં હતી ત્યારે લોકોને આવકનો દાખલો સહેલાયથી મળી જતો અત્યારે લોકોએ ધંધા રોજગાર પાડી કેટલાય ધક્કા ખાવા પડેછે ત્યારે દાખલો મળે છે એમ છતાં સુશાશનની વાતો કરતા શરમ આવવી જોઈએ અને શહેરમાં ફરવા માટે એક માત્ર જનતા બાગ છે તેની હાલત પણ મિતીયાળાના જંગલ જેવી છે અને શહેરમાં રોડની બરોબર વચ્ચે ગટરનાં ઢાંકણા તૂટી ગયા છે છતાં ચાર ચાર મહિનાથી રીપેર કરી શક્તા નથી આમ શું શહેરનો વિકાસ થવાનો તેમ અંતમાં હસુભાઈ સુચકે જણાવ્યું હતું.


