Gujarat

ભુજ બસ સ્ટેન્ડમાં મહિલાના બેગમાંથી 2.50 લાખના દાગીના ચોરનાર બે જબ્બે

શહેરના બસ સ્ટેન્ડ પર ચોરીનો બનાવ બન્યો હતો જેમાં માંડવી જતી બસમાં ચડતા સમયે ભીડનો લાભ લઇ મહિલાના બેગમાંથી રૂપિયા 2.50 લાખની કિંમતના દાગીના સેરવી લેવાયા હતા જેમાં પોલીસે ચોરીના બનાવને અંજામ આપનાર મહિલા સહીત બે આરોપીને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવી બાબાવાડીમાં રહેતા ફરિયાદી સોનલબેન પ્રતિકભાઈ આહિરે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોધાવ્યો છે.

જે બનાવમાં પોલીસે પાટણના રાજુ મફા દંતાણી અને બનાસકાંઠાના અંજલિ લાલા દંતાણીને ઝડપી લીધા હતા.

ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 28 એપ્રિલના સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બન્યો હતો.ફરિયાદી માધાપર પોતાના માવતરના ઘરે આવ્યા હતા.

જે બાદ પરત માંડવી જવા માટે દીકરી અને બહેન સાથે બસ સ્ટેન્ડ પર આવ્યા હતા.માંડવીની બસ લાગતા ફરિયાદી તેમાં ચડ્યા હતા.

જે બાદ બેગમાંથી ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.જે મામલે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોધાવતા પોલીસે નેત્રમ કમાંડ કંટ્રોલ અને બસ સ્ટેશનમાં લાગેલ સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા.

જેમાં આરોપી મહિલા શકમંદ તરીકે દેખાઈ હતી.જે બાદ પોલીસે તેને છટ્ઠીબારી પાસેથી ઝડપી લીધી હતી.જેની પૂછપરછ કરતા પોતે દાગીના ચોરી કાર્ય હોવાનું અને ચોરેલા દાગીના આરોપી માસાને આપ્યા હોવાનું જણાવ્યું હતું.

જે બાદ પોલીસે સહ આરોપીને ટાઉન હોલ નજીકથી દબોચી લીધો હતો.પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા દાગીના કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.