Gujarat

બળબળતા તાપ વચ્ચે એક મહિનાના માસૂમ બાળકને રઝળતું મૂકી દેવાયું

શહેરના રેલ્વે સ્ટેશન નજીક દાદુપીર રોડ પરથી ત્યજી દેવાયેલો એક મહિનાનો બાળક મળી આવ્યો હતો.બાવળ અને પથ્થરો નજીક પડેલો માસુમ રેલ્વે સ્ટેશનના માણસોને નજરે ચડતા તાતકાલીક પોલીસને જાણ કરી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે.

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ રેલ્વે સ્ટેશન પાસેથી મંગળવારે ત્યજી દીધેલો એક મહિનાનો અજાણ્યો બાળક મળી આવ્યો હતો.

દાદુપીર રોડ પર બાવળ નીચે પથ્થરો પાસે બાળક પડ્યો હોવાનું રેલ્વેના માણસોને ધ્યાને આવ્યું હતું.બનાવ બાબતે તાતકાલીક ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.

જે બાદ પોલીસે સ્થળ પર જઈ બાળકને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.સમગ્ર મામલે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ જે.કે.મોરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,હાલ બાળક હોસ્પીટલમાં છે અને તંદુરસ્ત છે.પોલીસે બાળકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને માસુમ બાળકને ત્યજી દેનારની શોધખોળ પણ કરવામાં આવી રહી છે.એક મહિનાનો બાળક ત્યજેલી હાલતમાં મળી આવતા લોકોએ પણ ફિટકાર વરસાવી હતી.