Gujarat

નડિયાદમાં મોટર બળી જતાં 100 સોસાયટીને બે ટંક પાણી ન મળ્યું, રહીશોએ જાતે વ્યવસ્થા કરવી પડી

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાઘેશ્વરી તેમજ માઈ મંદિર વિસ્તારમાં પાણી પૂરું પાડતી ટાંકીની મોટર બળી જતા સોમવારે રાત્રે અને બાદમાં મંગળવારે સવારે પાણી ન આવતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.

ભર ઉનાળે પાણી ન આવતા રહીશોમાં તંત્ર પરત્વે ભારે નારાજગી જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા પાણી ન આપવામાં આવ્યું હોવા છતાં ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

જેને લઇને રહીશોને જાતે જ પીવાના અને વપરાશના પાણીની વ્યવસ્થા કરવાનો વારો આવ્યો હતો. પાલિકાએ મોટર રિપેર થઇ જતાં પાણી વિતરણ પૂર્વવત થઇ જશેનો દાવો કર્યો હતો.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલાં વાઘેશ્વરી મંદિરની આસપાસની આશરે 100 જેટલી સોસાયટીઓ આવેલી છે. સોમવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં પાણી ન આવતાં રહીશો સવારે પાણી આવશે તેમ વિચારીને નિશ્ચિંત થયા હતા.

જોકે, મ઼ગળવારે સવારે 6 વાગ્યાના અરસામાં પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ન આવતાં રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા. સંયુક્ત પરિવારમાં રહેતાં લોકોને પાણીની વધુ ખપ હોવાથી તેમની માટે બે ટંક પાણી ન આવે તો શું કરવું તે સવાલ ઉભો થયો હતો. સવારથી જ લોકો પાણી આવ્યું છે કે નહીં તેમ એકબીજાને પૂછતાં જોવા મળ્યા હતા.

10 વાગ્યાના અરસામાં પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે લોકો પાણીના જગ લઇને આવતાં જોવા મળ્યા હતા. વાઘેશ્વરી મંદિર પાસે રહેતાં કેટલાક લોકોએ નજીકમાં આવેલાં ઘરના બોરના કનેક્શનમાંથી પીવાના અને વપરાશના પાણીની વ્યવસ્થા કરી હતી.

જ્યારે અન્ય સોસાયટીના રહીશો દ્વારા પણ આસપાસમાં જેમના ઘરે બોર હોય તેમના ઘરેથી પાઇપ ખેંચી હોજ કે ટાંકી ભરી કે વપરાશ માટેના પાણીની વ્યવસ્થા કરી હતી. જોકે, મહાનગપાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણી ન પહોંચ્યું હોવાનું જાણવા છતાં ટેન્કરની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

જેને લઇને રહીશોમાં તંત્ર પરત્વે નારાજગી વ્યક્ત કરતાં જોવા મળ્યા હતા. લારીમાં કે સાઇકલ રીક્ષામાં રહીશો પાણીના દેગડાં ભરીને બે – ત્રણ ઘરના વપરાશના પાણી એકસાથે લઇ જતાં પણ જોવા મળ્યા હતા.

બે બે ટાંકા ઉભા કર્યા છે તો એ શું પ્રદર્શન માટે છે

આ વિસ્તારમાં રહેતાં એક સ્થાનિકે જણાવ્યું હતું કે, એક ટાંકી સારી જ હતી. કોઇપણ રીતે જર્જરિત ન હતી તો પણ બીજી ટાંકી બનાવી. બે બે ટાંકીઓ બનાવી હોવાછતાં પણ પાણીના ઠેકાણા નથી. તો શું આ નવી નવી ટાંકીઓ બનાવીને પ્રદર્શની કરવાની છે. સિવિલ હોસ્પિટલ પાસેની ટાંકી જર્જરિત હતી તો માનીએ કે ત્યાં નવી ટાંકીની જરૂર હતી. વાઘેશ્વરી ટાંકીમાં તો કાંઇ નહોતું થયું તો અહીં કેમ નવી ટાંકી બનાવી તે સમજાતું નથી.

દદુડી દદુડી પાણી આવે, એક ડોલ પણ ન ભરાય

કાલે રાત્રે પણ નથી આવ્યું અને આજે પણ આવ્યું નથી. શું તકલીફ છે એ જ ખબર નથી પડતી. દદુડી દદુડી પાણી આવે એમાં કેટલું પાણી ભરવું ? પાણીના પ્રશ્નને લઇને અમે પરેશાન થઇ ગયા છીએ. રજૂઆત છતાં કોઇ નીવેડો આવતો નથી. મહાનગરપાલિકા વિસ્તારમાં ઉનાળામાં પણ પાણીના પ્રશ્ન ઉદ્દભવે તે કેમ ચાલે.> કિર્તીબેન પટેલ, સ્થાનિક

છાશવારે મોટર બગડે છે તો કાયમી ઉકેલ લાવે

પાણી ન આવતાં મુશ્કેલી પડી રહી છે. ઉનાળામાં પાણીની ખપત વધારે હોય અને એમાં એકાએક પાણી ન આવે તો મુશ્કેલી પડે છે. છાશવારે મોટર બગડતી હોવાનું કહે છે, તો તેનો કાયમી નિકાલ લાવવામાં આવે તે જરૂરી છે. ઉનાળામાં તો નિયમિત અને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.