Gujarat

જિલ્લા પંચાયત પ્રમુખનો આક્ષેપ, સાવજ ડેરીના ચેરમેને જાનથી મારી નાખવાની ધમકી આપી, ભાજપમાં ભડકો

જૂનાગઢ જિલ્લાની રાજકીય હાલતમાં ફરી એક વાર ભડકો થયો છે. હવે વિવાદ ઊભો થયો છે સીધા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર અને સાવજ ડેરીના ચેરમેન તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ દિનેશ ખટારીયા વચ્ચે.

ઠુંમરે દાવો કર્યો છે કે ખટારીયાએ તેમને ખૂન કરવાની અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી છે.

આ આક્ષેપો સાથે ભાજપના સ્થાનિક નેતૃત્વમાં આંતરિક ઉથલપાથલ ફરી એકવાર બહાર આવી છે. “ઘરનો દીવો જ ઘરમાં આગ લગાડે” તેવી સ્થિતિ ભાજપ માટે બની રહી છે.

“મને મારવાની ધમકી, શું હું કોઈ ગુનેગાર છું?” – હરેશ ઠુંમર

હરેશ ઠુંમરે જણાવ્યું કે ગઈકાલે બપોરે 4 વાગ્યે દિનેશ ખટારીયાનો કોલ આવ્યો. ફોનમાં તેમને “મા-બહેનની ગાળો” આપી, ટાંટિયા તોડી નાખવાની અને જીવથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી. “તમે મને સત્તાની નથી પડી હવે મારા જીવ પર આવી છે,મને મારા પદની ચિંતા નથી, પરંતુ મારી પ્રતિષ્ઠાની પડી છે !”

ઠુંમરે કહ્યું કે દિનેશ ખટારીયા ઘણા સમયથી કામ કરી રહ્યા હતાં અને તેમના જિલ્લા પંચાયતના પ્રમુખ પદ પર રહેવાનો વિરોધ કરતા રહ્યાં છે.

અગાઉ દિનેશ ખટારીયાએ મને એવું પણ કહ્યું હતું કે “તમે મારી લાઇનમાં રહેજો નહીં તો હાલ દેખાડી દઈશ”

જિલ્લા પંચાયતના પ્રમુખ ચૂંટાયા ત્યારથી ધમકી

ઠુંમરે એ પણ ખુલાસો કર્યો કે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, ત્યારથી દિનેશ ખટારીયા સતત ધમકીઓ આપતા રહ્યા છે.

પહેલાં પણ ચેમ્બરનાં અંદર એક ભાજપ કાર્યકર્તાને માર મરાયો હતો અને તેમને પણ “મારી લાઇનમાં રહેજે” તેવી ચીમકી આપવામાં આવી હતી.

હરેશ ઠુંમરે હાલના વિવાદ પાછળ કારણ એમ જણાવાયું છે કે વંથલી તાલુકાના 20 જેટલા સરપંચો DDO નીતિન સાંગવાનને સમર્થન આપવા જિલ્લામાં આવ્યા હતા.

આ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં ખટારીયા રોષે ભરાયા હોવાનો હરેશભાઈનો દાવો છે.

દિનેશ ખટારીયાનો પ્રતિઆક્ષેપ

દિનેશ ખટારીયાએ સામો આક્ષેપ કર્યો હતો કે, “ઘટના પાયા વિહોણી, હમણાં સુધી ફોન પણ કર્યો નથી!”દિનેશ ખટારીયાએ આ આરોપોને સંપૂર્ણપણે અસ્વીકાર કરતા કહ્યું હતું કે, “મેં હરેશ ઠુંમરને કોઈ ફોન કર્યો નથી, કોઈ ગાળો આપી નથી.

મારી લડાઈ તો DDO સામે છે, જિલ્લા વિકાસ અટકાવનાર કાર્યશૈલી સામે છે. મને હરેશભાઈથી વ્યક્તિગત દુશ્મનાવટ રાખતો નથી.”તેમણે ઉમેર્યું કે હરેશ ઠુંમરે રાજકીય હેતુસર આવા આક્ષેપો કર્યા હોય તેવી શક્યતા છે. તેમના જણાવ્યા અનુસાર, DDO વિરુદ્ધ સરપંચોની એકતા ભાંગવા માટે આવા પ્રયાસો થઈ રહ્યાં છે.

ભાજપના ગઢમાં રોષ

“ઘરના વિવાદોથી પાર્ટી ઇમેજને ફટકો” ત્યારે હરેશ ઠુંમરી જણાવ્યું હતું કે આ મામલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હું લેખિતમાં ફરિયાદ કરીશ, ત્યારે જૂનાગઢમાં હવે “જિલ્લા પંચાયતના પ્રમુખ” અને “સરપંચોના સરદાર” વચ્ચે ઘમાસાન – ભાજપના ગઢમાં રાજકીય ભડકો થવાનું નિશ્ચિત દેખાઈ રહ્યું છે.