ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પ્રભાસ પાટણમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ રેન્જ આઇજીપી નિલેષ જાજડીયાની સૂચના મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો.
રામમંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 350થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર સહિત વિવિધ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર્સ હાજર રહ્યા હતા.

લોકદરબારમાં વ્યાજખોરી વિરુદ્ધ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થળ પર જ વ્યાજખોરીના ભોગ બનેલા લોકોની રજૂઆત સાંભળવામાં આવી હતી. એસબીઆઈ, પીએનબી, સેન્ટ્રલ બેંક, એક્સિસ બેંક અને મર્કન્ટાઇલ બેંકના પ્રતિનિધિઓએ ઓછા વ્યાજદરની લોન યોજનાઓની માહિતી આપી હતી.

RTIના નામે થતી છેતરપિંડી અંગે લોકોને સાવધ કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ વિભાગે ઓનલાઇન છેતરપિંડી, સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવા ગુનાઓ વિશે માહિતી આપી. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930નો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રોજેક્ટર દ્વારા વિડિયો પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. દરેક પોલીસ સ્ટેશન માટે અલગ હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવ્યા, જ્યાં લોકો નિર્ભયપણે પોતાની ફરિયાદ નોંધાવી શક્યા છે.

