Gujarat

3800 કર્મચારીઓ માસ CL પર, બદલી-પ્રમોશનમાં અન્યાય સહિત પડતર માંગો મુદ્દે વિરોધ

ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ આજે બુધવારે પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને માસ સી.એલ. પર ઉતર્યા છે. રાજ્યભરમાં કુલ 3800 જેટલા મહેસૂલી કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે.

ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ઇણાજ બહાર વેરાવળ-તાલાલા હાઇવે પર મહેસૂલી કર્મચારી મંડળના ગુજરાત પ્રમુખ જામસંગ પરમારની આગેવાનીમાં કર્મચારીઓએ દેખાવો કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં એકલા 225થી વધુ કર્મચારીઓ આ આંદોલનમાં સામેલ થયા છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં બદલીમાં થતો અન્યાય, ખાલી જગ્યાઓ ભરવાની માંગ અને પ્રમોશનમાં રહેલી વિસંગતતાઓનો સમાવેશ થાય છે.

તાજેતરમાં મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી સામૂહિક બદલીઓ આડેધડ રીતે અને કર્મચારીઓને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી હોવાની ફરિયાદ છે.

મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ જામસંગ પરમારે જણાવ્યું કે આ મુદ્દે સરકારમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.

પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા કર્મચારીઓમાં રોષ છે. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર માગણીઓ નહીં સ્વીકારે તો અચોક્કસ મુદતની હડતાળ પર જવામાં આવશે.

આંદોલનને કારણે આજે રાજ્યભરની મહેસૂલી કચેરીઓમાં કામકાજ ખોરવાયું છે. કર્મચારીઓએ ગઈકાલે જ પોતાના રજા રિપોર્ટ રજૂ કરી દીધા હતા.