ગીર સોમનાથના વેરાવળમાં કરોડોની કિંમતી જમીનના લેઆઉટ પ્લાનમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે.
પ્રભાસ પાટણના સર્વે નંબર 842/બ/પૈકીની જમીનમાં બોગસ માપણી સીટના આધારે લેઆઉટ પ્લાન મંજૂર કરાવવામાં આવ્યો હતો. આ મામલે નગરપાલિકાએ લેઆઉટ પ્લાનની મંજૂરી રદ કરી છે.

માપણી સીટમાં 10 મીટરના રસ્તાને બદલે 18 મીટરનો રસ્તો બતાવીને લેઆઉટ પ્લાન મંજૂર કરાવવામાં આવ્યો હતો.
આ મામલે કોડીનારના ચાર રહેવાસીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓમાં ભરત ઠકરાર, હિતેશ ઠકરાર, મનોજ ઠકરાર અને હંસાબેન પોપટનો સમાવેશ થાય છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારે જણાવ્યા મુજબ, 8 એપ્રિલ 2024ના રોજ અપાયેલી મંજૂરી ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમ 155 અને જીડીસીઆરના ભાગ 1 ક્લોઝ 3.4 મુજબ રદ કરવામાં આવી છે. જીલ્લા કલેકટર ડી.ડી.જાડેજાની સુચનાથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રજિસ્ટ્રાર કચેરીના રેકોર્ડ મુજબ 34 લોકોએ આ જમીનમાં પ્લોટ ખરીદ્યા છે અને દસ્તાવેજો કર્યા છે.
મંજૂરી રદ થવાથી આ પ્લોટ ધારકો હવે તેમના પ્લોટનું વેચાણ કે બાંધકામ કરી શકશે નહીં. કાયદાના જાણકારોના મતે, પ્લોટ ધારકો છેતરપિંડીની કાયદેસરની ફરિયાદ કરી શકે છે.

