Gujarat

ચોમાસા પૂર્વે નલિયામાં તળાવ સહિતના વિસ્તારોમાં ઝાડી કટીંગ, સફાઇ કરો

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાની પ્રાંત કચેરીએ તાલુકા સંકલનની બેઠક મળી હતી, જેમાં તાલુકાના પ્રશ્નોનો ખડકલો થયો હતો. પ્રાંત અધિકારી કે.જે. વાઘેલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં તાલુકામાં આંગણવાડી કેન્દ્ર મુદ્દે જમીન નક્કી કરવા,

નલિયા ગામના તળાવ તથા અન્ય વિસ્તારોમાં ઝાડી કટિંગ કરવા, કોઠારા ગૌશાળાના વીજ જોડાણનો પ્રશ્ન, આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પાણી અંગે જરૂરી એક્શન પ્લાન બનાવવા, સિંચાઈ વિભાગ સાથે સંકલન કરી ખાસ પ્લાન બનાવવા સિંચાઈ વિભાગને પણ સૂચના અપાઇ હતી.

ચોમાસા દરમિયાન નદીનાળા અને પાણીનો પ્રવાહ અવરોધાય નહીં તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવા, કાળા તળાવ, કુણાઠિયા, રાયધણજરમાં પાણીના પ્રશ્નનો તાત્કાલિક હલ કરવા, ઉપરાંત રોડ, રસ્તા સમારકામ તાત્કાલિક કરવા હતા.

આગામી વર્ષાઋતુને ધ્યાનમાં લઈને પીજીવીસીએલ ખાસ એક્શન પ્લાન તૈયાર રાખવા તાકીદ કરાઇ હતી. બેઠકમાં મામલતદાર તુષાર વ્યાસ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહીર, જખૌ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.પી. ખરાડી, નલિયા પી.આઈ. વી.એમ. ઝાલા સહિત તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.