સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમણે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકો અને માછીમારોની બોટમાં રહેલા ડીઝલ-બરફના નુકસાન અંગે સર્વે કરવા માગ કરી છે.
સોમનાથ વિધાનસભા મત વિસ્તાર અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 90% લોકો ખેતી કરે છે. છેલ્લા બે દિવસના કમોસમી વરસાદથી કેરી, મકાઈ, જુવાર, તલ, અડદ, મગ, બાજરી અને શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થયું છે.

આ વિસ્તારના ખેડૂતોને અગાઉ ચોમાસામાં પણ ભારે વરસાદથી જમીનોનું ધોવાણ થવાથી નુકસાન થયું હતું. જેના કારણે વર્ષ દરમિયાન કોઈ મોસમમાં સારા પાકો મળ્યા નથી. આથી ખેડૂતોની સ્થિતિ કથળી ગઈ છે.

વિસ્તારના બંદરો પર આશરે 5000 જેટલી નાની-મોટી બોટો છે. કમોસમી વરસાદ દરમિયાન માછીમારીએ ગયેલી બોટોને દરિયામાં તોફાન થતાં પરત ફરવું પડ્યું. આથી બોટમાં લઈ ગયેલા ડીઝલ, બરફ અને અન્ય સામગ્રીનું નુકસાન થયું છે.
ધારાસભ્ય ચુડાસમાએ માત્ર સોમનાથ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માગ કરી છે. જેથી ખેડૂતો આવનારી સીઝનમાં ફરી વાવેતર કરી શકે.

