Gujarat

રાધનપુર રોડ ગંદા નાળાની પાંચ વર્ષ બાદ મોટાપાયે સફાઈ

ચોમાસુ નજીક આવતાં મહેસાણા મનપાએ રાધનપુર રોડ પર પાંજરાપોળ પાસે રામોસણા તરફના ગંદા નાળામાં પાંચ વર્ષ બાદ મોટાપાયે સફાઈ શરૂ કરી છે. અહીં પાંચ ટ્રેક્ટર કામે લગાડાયા છે અને બે દિવસમાં 30 ટ્રેક્ટર કચરો ઉલેચાયો છે.

હાલ જેસીબી થી કામ ચાલી રહ્યું છે. નાળામાં આગળ સફાઇ માટે એકાદ-બે દિવસમાં હિટાચી મશીન પણ ઉતારવામાં આવશે.

કમળપથસામે નાળાનો રામોસણા તરફનો ભાગ વર્ષોથી ગંદો રહ્યો છે. આ નાળામાં ગટરનું પાણી ઠલવાતું હોઇ અસહ્ય દુર્ગંધ આવે છે. નાળામાં કચરાના થર જામ્યા છે અને આગળ જંગલી વેલ, ઝાડી-ઝાંખરાએ કબજો કરી લીધો છે. રવિવારે નાળામાં જેસીબી ઉતારીને કચરો ટ્રેક્ટર મારફતે ઉલેચવાની કામગીરી આખો દિવસ ચાલી હતી.

આ કચરો બાજુમાં શાકભાજીની લારીઓ માટે બનનાર વેન્ડિંગ ઝોનની ખાલી જગ્યાનાપાછળ ખાડા હોય ત્યાં નાખીજગ્યા સમતળ કરાઇ રહી છે.

મનપાના સૂત્રોએ કહ્યું કે, પાંજરાપોળ પાસે નાળામાંથી કચરો બહાર કઢાયા પછી રામોસણા કેનાલ તરફ જ્યાં સુધી શક્ય રહે ત્યાં સુધી હિટાચીથી સફાઈ કરવાનું આયોજન છે. જેથી વરસાદી પાણી અવરોધાય નહીં અને નાળા માર્ગેથી પસાર થઇ શકે.

કમળપથની બાજુમાંથી પસાર થતા વ્હોળામાં પથરાયેલા ઝાડી-ઝાંખરાદૂર કરવાની કામગીરી શુક્રવારથી શરૂ કરાઇ છે અને રાધે એક્ઝોટીકા સોસાયટી પાસેથી પસાર થતી કેનાલ સુધી સફાઈ કરી દેવાઇ છે. હવે દેદિયાસણ તરફ સફાઇ આગળ વધી છે. ઉપરાંત, નાગલપુર નીલકંઠ મહાદેવ મંદિર પાછળ ખારી નદીના પટમાંથી કચરો ઉલેચીને સફાઈ શરૂ કરાઇ છે.