Gujarat

પંચમહાલને 3-1થી હરાવી જામનગર ચેમ્પિયન, પંચમહાલને સિલ્વર મેડલ

મહેસાણા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 14થી 18 મે 2025 દરમિયાન ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ફુટબોલ (પુરુષ વિભાગ)માં રાજ્યના વિવિધ ઝોનમાંથી 5 ટીમોએ ભાગ લીધો.

રોમાંચક ફાઇનલ મેચમાં જામનગર અને પંચમહાલની ટીમો આમને-સામને આવી. જામનગરે 3-1થી મેચ જીતી પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે પંચમહાલની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.

વિજેતા ટીમોને કલેક્ટર શ્રી આશિષકુમાર, રેન્જ આઈ.જી. શ્રી અંસારી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ મેડલ અને ટ્રેકસૂટ આપી સન્માનિત કર્યા. જિલ્લા ફૂટબોલ કન્વીનર પ્રમુખ મોસીમ અબાસીએ પણ ટીમોને અભિનંદન પાઠવ્યા.

પંચમહાલ જિલ્લાની ટીમે પ્રથમવાર રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. આ સફળતા પાછળ ખેલો ઇન્ડિયા સેન્ટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કનેલાવ ખાતે નિયમિત તાલીમનું યોગદાન રહ્યું છે.

જિલ્લા રમત વિકાસ અધિકારી સુશ્રી કિલોલ સાપરીયાના નેતૃત્વમાં સ્પર્ધકોને નિવાસ, મેદાન અને ભોજનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી. તમામ કોચ, ટ્રેનર અને ખેલાડીઓએ આ સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો.