જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી કેરીની હરાજી દરમિયાન અચાનક આવેલા અણધાર્યા વરસાદના કારણે કેરીના હજારો બોક્સ પલળી ગયા છે તો કેટલીય કેરી પાણીમાં તણાઈ ગઈ છે. આ ઘટનાથી ખેડૂત, ઇજારેદારો અને વેપારીઓને લાખો રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા છે.
હરાજીની પ્રક્રિયા દરમિયાન જ કેરીના બોક્સ પાણીમાં તરવા લાગ્યા કેરીના વેપારી અદ્રેમાન પંજાએ ગુસ્સે ભરેલા અવાજે જણાવ્યું કે, ત્રણ વર્ષથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરી રહ્યાં છીએ કે ફળોની હરાજી માટે યોગ્ય શેડ બનાવવામાં આવે, પાકા રોડ તૈયાર થાય, ગટર વ્યવસ્થા વિકસાવવામાં આવે, પણ માર્કેટિંગ યાર્ડ કોઈ ધ્યાને લેતું નથી.

આજે અચાનક વરસાદ આવ્યો ત્યારે હરાજીની પ્રક્રિયા દરમિયાન જ કેરીના બોક્સ પાણીમાં તરવા લાગ્યા હતા. કેટલાક બોક્સ તો પાણીમાં વહી ગયા છે. આવી હાલતમાં ખેડૂતની મહેનત અને ઈજારેદારોનું લાખો રૂપિયાનું રોકાણ નિષ્ફળ થઈ જાય છે.

સેસ વસૂલવામાં આવે છે, પણ વ્યવસ્થા ક્યાં? તેમણે વધુમાં જણાવ્યું કે, એક બોક્સ દીઠ બે રૂપિયા સેસ ભરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે સેસ રદ કરવાનો હુકમ આપ્યો હોવા છતાં આજે પણ વસૂલી થાય છે. છતાં યાર્ડમાં બે રૂપીયાની પણ સુવિધા નથી.

અહીં કોઇપણ પ્રકારની આધુનિક સુવિધા નથીઃ ઈજારેદાર રુપાવટી ગામથી કેરી વેચવા આવેલા ઇજારેદાર હમીરભાઈએ ભારપૂર્વક જણાવ્યું કે, હું આજે 100 બોક્સ લાવ્યો હતો. જોકે, વરસાદના કારણે તમામ પલળી ગયા અને અંદાજે 15–20 હજારનું નુકસાન થયું છે. અમે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાને અપીલ કરીએ છીએ કે, યાર્ડમાં ફળ માટે શેડ અને સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરાઈ. અહીં કોઇપણ પ્રકારની આધુનિક સુવિધા નથી.

