Gujarat

ઇ-કોમર્સ માટે GST નંબર આપવા 2000 રૂપિયાની માંગણી કરી, ACBએ રંગેહાથ પકડ્યો

પાલનપુરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સેન્ટ્રલ GST કચેરીના ઇન્સ્પેક્ટરને લાંચ લેતા પકડી પાડ્યા છે. આરોપી હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા, વર્ગ-2 અધિકારી તરીકે ફરજ બજાવે છે.

ફરિયાદીના પિતાએ ઇ-કોમર્સ વ્યવસાય શરૂ કરવા માટે GST નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. આરોપી ઇન્સ્પેક્ટરે અરજદારને ફોન કરીને સ્થળ મુલાકાત માટે જાણ કરી. ત્યારબાદ ફરિયાદીના ઘરે જઈને વેરિફિકેશન કર્યું અને ફોટોગ્રાફ્સ લીધા.

પોઝિટિવ રિપોર્ટ આપવા માટે આરોપીએ 2000 રૂપિયાની લાંચની માગણી કરી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો. ACBએ છટકું ગોઠવ્યું અને શ્રદ્ધા રેસીડેન્સી પાસેના જાહેર રસ્તા પર આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો.

ACB પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. ચૌધરીના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.