Gujarat

28 છોડ સાથે એક શખ્સની ધરપકડ, FSL દ્વારા તપાસ બાદ ગાંજાના છોડ હોવાનું સાબિત થયું

ખેડા જિલ્લાના વસો તાલુકામાં બાજરીની ખેતીની આડમાં ગાંજાનું અવૈધ વાવેતર પકડાયું છે. વસો પોલીસે બામરોલી ગામમાં દરોડો પાડીને રૂપિયા 53,700ની કિંમતના ગાંજાના 28 છોડ જપ્ત કર્યા છે.

પોલીસને મળેલી બાતમીના આધારે બામરોલી ગામના દાવડા રોડ પર આવેલા રોહિતવાસની પાછળના ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી મહોત ઉર્ફે ગીરી શીવા ચૌહાણ નામનો શખ્સ મળી આવ્યો હતો. ખેતરમાં તપાસ દરમિયાન બાજરીના પાક વચ્ચે છૂટાછવાયા શંકાસ્પદ છોડ જોવા મળ્યા હતા.

FSLની મદદથી કરવામાં આવેલી તપાસણીમાં આ છોડ ગાંજાના હોવાનું પુષ્ટિ થઈ હતી. પોલીસે તમામ છોડને મૂળમાંથી કાઢી લીધા હતા. આરોપી મહોત ઉર્ફે ગીરી શીવા ચૌહાણે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેણે પોતાના ઉપયોગ માટે બિયારણ મારફતે આ છોડ ઉગાડ્યા હતા.

વસો પોલીસે આ મામલે નાર્કોટિક્સ અધિનિયમ એક્ટ હેઠળ ખેતર માલિક મહોત ઉર્ફે ગીરી શીવા ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.