Gujarat

નડિયાદ બસ સ્ટેશનમાં ચોમાસા પહેલા જ મસ મોટા ખાડા પડ્યા

નડિયાદ શહેરમાં આવેલા બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. જોકે, બસ મથકમાં વરસાદના કારણે મસ મોટા ખાડા પડી ગયા છે. જેને લઇ બસ મથકમાં આવતી બસ ખાડામાં પછડાતા રોજના 1 હજાર થી વધુ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બસમાં પાછળ સવાર મુસાફરોને કમર તોડ માર સહન કરવાનો વારો આવ્યો છે.

નડિયાદ શહેરમાં એક તરફ નવીન બસ સ્ટેન્ડની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. બીજી તરફ નવા બસ સ્ટેન્ડની પાસે જ હંગામી ધોરણે ઊભું કરવામાં આવેલ નડિયાદ બસ સ્ટેશનમાં વરસાદ પડતાની સાથે જ મસ મોટા ખાડા પડી ગયા છે.

ત્યારે નડિયાદ બસ સ્ટેશન ખાતે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફરો બસની સવારી કરવા માટે આવે છે. ત્યારે બહારગામ થી નડિયાદ આવતી તમામ બસો બસ સ્ટેશનમાં પડેલા ખાડામાં પછડાય છે.

જેને લઈ બસમાં સવાર મુસાફરોને કમર તોડ માર સહન કરવાનો વારો આવ્યો છે. ચોમાસા પહેલા નડિયાદ બસ સ્ટેશનમાં પડેલા ખાડાઓને પુરવામાં આવે તેવી મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.