ઉનાની પંચાયત સિંચાઈ પેટા વિભાગની કચેરીમાં મધરાતે મોટી કાર્યવાહી થઈ છે. જિલ્લા વિકાસ અધિકારી નેહલ ભાપકર એડિશનલ કલેક્ટર સાથે અચાનક ઉના પહોંચ્યા હતા.

તેમણે સ્થાનિક અધિકારીઓને જાણ કર્યા વિના બોલાવ્યા હતા. પોલીસની હાજરીમાં સિંચાઈ વિભાગના અધિકારી સુનિલ રાઠોડને બોલાવી કચેરી ખોલાવી હતી.
સરકારી રેકોર્ડની તપાસ કર્યા બાદ રાત્રે 2 વાગ્યે કચેરીને સીલ મારી દેવામાં આવી હતી.

આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી સુનિલ રાઠોડે જણાવ્યું કે, તેઓ મીટિંગમાં ગયા ન હોવાથી DDOને ગમ્યું નહીં. તેથી તેમણે કચેરીને સીલ કરી દીધી. જોકે, આ કચેરી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, DDO કોડિનારમાં એક કાર્યક્રમમાં હતા. ત્યાં તેમને કોઈનો ફોન આવતા તેઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા.
કચેરીને સીલ કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. આ ઘટના સરકારી વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

