Gujarat

આવતીકાલે ટાવરચોકથી સાંજે 5:30 વાગ્યે પ્રારંભ, શહેરના મુખ્ય માર્ગો પર નીકળશે રેલી

વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ ઉજવણી અંતર્ગત વેરાવળમાં આવતીકાલે વૉકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વૉકેથોન ટાવરચોકથી શરૂ થશે. રેલી સટ્ટાબજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ અને શાકમાર્કેટ થઈને પુનઃ ટાવરચોક સુધી જશે.

આજ રોજ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં વૉકેથોનની વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી.

આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” રાખવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં 22 મેથી 5 જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યા મુજબ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવી અને પ્લાસ્ટિકના ઉપયોગને રોકવો અત્યંત જરૂરી છે.

કલેક્ટરે જણાવ્યું કે વિવિધ સંસ્થાઓ કાપડની થેલીઓનું વિતરણ કરશે. તેમણે સામાજિક સંસ્થાઓ, વેપારી મંડળો અને નાગરિકોને વૉકેથોનમાં જોડાવા અપીલ કરી છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ , ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારીઓ વિનોદ જોશી અને કે.આર.પરમાર, રેડક્રોસ, કસ્તુરબા મહિલા મંડળ તથા રોટરી ક્લબના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.