ચકલાસી પોલીસે નડિયાદના મહોળેલથી આડીનાર રોડ પર બાતમીના આધારે એક કારને અટકાવી હતી. કારમાંથી રૂપિયા 2.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રાજસ્થાનના બે શખ્સો કરણસિંહ કિશોરસિંહ ચૌહાણ અને વિશ્રામ ગોરીલાલ ગડહાની ધરપકડ કરી છે.
કારની તપાસ દરમિયાન પાછળની સીટ અને ડિકીમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. કારમાંથી બે ખોટી નંબર પ્લેટ પણ મળી આવી હતી.
પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગાડી થોડા દિવસો પહેલા ખરીદવામાં આવી હતી. આરટીઓ નંબર ન આવ્યો હોવાથી ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તપાસમાં ખુલાસો થયો કે દારૂનો જથ્થો ઉદેપુરના બુટલેગર ઘનશ્યામ ઉર્ફે હરીઓમ શેઠે ભરી આપ્યો હતો. આ માલ વડોદરાના બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધીએ મંગાવ્યો હતો.
દારૂની ડિલિવરી વડોદરાના મનોજ ઉર્ફે પાપડ સિંધી લેવાનો હતો. પોલીસે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.
કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 9.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

