નડીયાદથી પેટલાદ તરફ જતાં આવતું પીપળાતા ગામ મહાદેવ મંદિર તેમજ વહાણવટી માતાના મંદિરને કારણે જાણીતું છે.
આ ગામની વસ્તી 20 હજાર ઉપરાંતની હોવાછતાં પણ અહીં હજી પંચાયતનું પોતાનું સારૂં મકાન નથી, જેની માંગણી છેલ્લા લાંબા સમયથી કરવામાં આવી રહી હોવાછતાં પણ હજીસુધી મકાન બન્યું નથી. પીપળાતા ગામમાં 10 સ્કુલ અને એક હાઇસ્કુલ આવેલી છે.
બાલ ગોપાલ ફાઉન્ડેશન દ્વારા ગામના વિદ્યાર્થીઓ માટે અદ્યતન શાળા બનાવવામાં આવી છે. ગામમાં પીવાના પાણી માટે એક ટાંકી અને 10 બોર છે. ગામમાં આરોગ્યની પણ પૂરતી સુવિધા મળી રહે છે.
જેમાં સરકારી ઉપરાંત ખાનગી દવાખાનામાં પણ છે. પીપળાતા નજીક આવેલું આયુર્વેદિક દવાખાનું પણ જિલ્લાવાસીઓ માટે આશિર્વાદ સમાન છે.
ગામમાં આવેલું ધોળેશ્વર મહાદેવ મંદિર અને વહાણવટી માતાનું મંદિર ભક્તોની આસ્થાના પ્રતિક સમાન છે. ગામના રસ્તા રિ-સરફેસીંગ માટે મંજુર થયા છે પણ તેની કામગીરી હજી સુધી શરૂ થઇ નથી.
ગામના મહત્તમ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા છે. ગામની બહાર બસ સ્ટોપ બનાવવાની માંગ છેલ્લા લાંબા સમયથી કરવામાં આવી રહી છે, જે હજી સુધી બનાવવામાં આવ્યું નથી.
ગામ નજીક સ્પીડ બ્રેકર બનાવવાની માંગ
નડિયાદથી પેટલા તરફ જતાં માર્ગ ઉપર પીપળાતા ગામ આવે છે. આ માર્ગ ઉપરથી પૂરપાટ ઝડપે દિવસ – રાત નાના – મોટાં વાહનોની સતત અવરજવર રહે છે.
જેને કારણે છાશવારે અકસ્માતનો પણ ભય રહે છે. ત્યારે તંત્ર દ્વારા ગામની પહેલાં બંને તરફ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે
ગ્રામ પંચાયતના મકાનની માંગ કરે છે
લાંબા સમયથી અમે પંચાયતના નવા મકાનની માંગ કરી રહ્યા છીએ. છેલ્લા અનેક વર્ષોથી અમારા ગામની પંચાયતનું મકાન અત્યંત જર્જરિત અને જોખમી બન્યું હોવાથી ત્યાં બેસીને કામગીરી કરવી શક્ય નથી.
કર્મચારીઓ ઉપરાંત કામ માટે આવતાં અરજદારોના માથે પણ જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતીને લઇને અમે પંચાયતના મકાનમાં બેસવાનું ટાળીને નજીકમાં આવેલાં હોલમાં બેસીને જ પંચાયતનો વહીવટ કરીએ છીએ.
ત્યારે પંચાયતનું નવું મકાન બનાવી આપવાની અમારી લાંબા સમયથી માંગણી છે.> આશિષકુમાર મોહનભાઇ પરમાર, સરપંચ

